નીરજ નામના વ્યક્તિને 501 રૂપિયાનું પેટ્રોલ ભરી આપવામાં આવશે ફ્રીમાં, જાણો કોણે અને ક્યાં સુધી કરી મોટી જાહેરાત

ભારતના ઈતિહાસમાં છેલ્લા 100 વર્ષ બાદ ભારતના જ્વેલિન થ્રોઅર ખેલાડી નીરજ ચોપડાએ ગોલ્ડ મેડલ જીત્યું છે. નીરજની આ ઐતિહાસિક જીતથી દેશભરના લોકોનું માથું ગર્વથી ઊંચું થઈ ગયું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ગોલ્ડ મેડલ જીતનાર નીરજ ચોપડા સાથે ફોન પર વાત કરી અભિનંદન પાઠવ્યા હતા. આ સાથે જ તેમણે ટ્વિટ કરી નીરજની સિદ્ધિને બિરદાવી હતી. તેમણે લખ્યું હતું કે ટોક્યોમાં ઇતિહાસ રચાયો છે. નીરેજની સિદ્ધિને દેશ હંમેશા યાદ રાખશે. નીરજે શાનદાર રમત રમી હતી. તેણે જોશ અને ઝનૂન સાથે શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું તે ક્ષણ અદ્વીતિય હતી.

image soucre

ગોલ્ડ મેડલ જીતવા પર નીરજ ચોપડાને ચોતરફથી અભિનંદન મળી રહ્યા છે. સાથે જ દેશવાસીઓમાં આ વખતનો ઉત્સાહ અનેરો જોવા મળે છે. કારણ કે નીરજ ચોપડા ભારત માટે ઓલિમ્પિકમાં વ્યક્તિગત ગોલ્ડ મેડલ જીતનાર ભારતનો બીજો ખેલાડી બન્યો છે. આ પહેલા શૂટર અભિનવ બિન્દ્રાએ બીજિંગ ઓલિમ્પિક 2008માં ગોલ્ડ મેડલ જીત્યો હતો. ત્યારબાદ નીરજે ભારતનું ગોલ્ડ મેડલનું સપનું પુરું કર્યું છે. આ વાતનો અનેરો ઉત્સાહ ગુજરાતમાં તો ખાસ જોવા મળી રહ્યો છે.

આમ તો નીરજ ચોપડાને અનેક લાખેણા ઈનામોની વણજાર મળી રહી છે. જો કે આ વખતે દેશવાસીઓમાં અને ખાસ કરીને ગુજરાતીઓમાં આ વાતનો ઉત્સાહ વધારે જ જોવા મળે છે. એટલે જ તો નીરજ ચોપડાએ જીતેલા ગોલ્ડ મેડલનો લાભ નીરજ નામના લોકોને પણ ગુજરાતમાં મળી રહ્યો છે.

દેશને ગોલ્ડ મેડલ અપાવનાર નીરજના સમ્માનમાં લોકો એવા કામ કરી રહ્યા છે જેના કારણે નીરજ નામનું પણ ગૌરવ વધે. આવી જ એક જાહેરાત તાજેતરમાં નેત્રંગથી કરવામાં આવી હતી. નીરજ નામના દરેક વ્યક્તિને આ વાતથી લાભ અને ખુશી બંને થાય એમ છે. જી હાં નેત્રંગના એક પેટ્રોલ પંપના માલિકે જાહેરાત કરી છે કે નીરજ નામના દરેક વ્યક્તિને એક દિવસ માટે 501 રૂપિયાનું પેટ્રોલ ફ્રીમાં ભરી આપવામાં આવશે.

પેટ્રોલના ભાવ જ્યાં ભડકે બળે છે ત્યાં 501 રૂપિયાનું પેટ્રોલ ફ્રીમાં મળવાની વાતથી સ્થાનિકોમાં ભારે ઉત્સાહ છવાયો છે. પેટ્રોલ પંપ પર બોર્ડ મુકવામાં આવ્યું છે કે નીરજ નામના વ્યક્તિને 501 રૂપિયાનું પેટ્રોલ ભરી આપવામાં આવશે. તેના માટે વ્યક્તિએ પોતાનું આઈડી પ્રુફ સાથે રાખવું જરૂરી છે. આ જાહેરાતના ફોટો સોશિયલ મીડિયામાં પણ વાયરલ થયા છે.

નેત્રંગ પેટ્રોલ પંપના માલિકે જાહેરાત કરી હતી કે રવિવારથી લઈ સોમવારે સાંજે 5 કલાક સુધી નીરજ નામના વ્યક્તિને આઈડી પ્રુફના આધારે 501 રૂપિયાનું પેટ્રોલ ફ્રીમાં ભરી દેવામાં આવશે. આ સાથે જ અહીં પેટ્રોલ ભરાવવા આવતા નીરજ નામના વ્યક્તિનું ફુલ આપી સમ્માન પણ કરવામાં આવે છે.