વડાપ્રધાન મોદી આજે દિવસ દરમિયાન અમેરિકામાં રહેશે વ્યસ્ત, એક પછી એક મુલાકાતોને દૌર શરુ

ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2014માં વડાપ્રધાન બન્યા બાદ સાતમી વખત અમેરિકાના પ્રવાસે પહોંચ્યા છે. વડાપ્રધાન મોદી ગુરુવારે વહેલી સવારે 3.30 વાગ્યે વોશિંગ્ટન પહોંચ્યા હતા. જ્યાં એરપોર્ટ પર પીએમ મોદીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. એરપોર્ટ ખાતે પીએમ મોદીના સ્વાગત માટે અમેરિકાના વિદેશ મંત્રાલયના અધિકારીઓ અને ભારતના રાજદૂત તરણજીત સિંહ પણ હાજર રહ્યા હતા.

ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ક્વાડ નેતાઓના શિખર સંમેલનમાં ભાગ લેવા અને સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના 76 માં સત્રને સંબોધવા અમેરિકા પહોંચ્યા છે. પીએમ મોદીનો આજે વોશિંગ્ટન મુલાકાતનો પહેલો દિવસ છે. આજે તેઓ ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન સ્કોટ મોરિસન, અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસ સાથે દ્વિપક્ષીય સંબંધો અને મહત્વના વૈશ્વિક અને પ્રાદેશિક મુદ્દાઓ પર વાત કરશે.

પીએમ મોદી જ્યારે અમેરિકા પહોંચ્યા ત્યારે તેમનું ઉષ્માભર્યું સ્વાગત ભારતીય સમુદાયના લોકોએ કર્યું હતું. 100થી વધુ લોકો પીએમ મોદીના આવકારવા માટે એરપોર્ટ પહોંચ્યા હતા. વરસાદ થતો હોવા છતા લોકો એરપોર્ટથી લઈ પીએમ મોદી જે હોટેલમાં રોકાયા છે ત્યાં સુધી રસ્તામાં ઊભા જોવા મળ્યા હતા. જો કે પીએમ પણ લોકોનો ઉત્સાહ જોઈ અને કારમાંથી ઉતરી લોકોને મળવા પહોંચ્યા હતા.

આજે વડાપ્રધાન મોદી અમેરિકામાં શું કરવાના છે તેના પર નજર કરીએ તો આજે તેઓ અમેરિકાના કેટલાક કોર્પોરેટ્સ સાથે પણ વાતચીત કરશે. તેઓ એવી કંપનીઓના સીઈઓને મળશે જેમણે ભારતમાં રોકાણ કર્યું છે અને હજુ પણ ભારતમાં મહત્વપૂર્ણ રોકાણ કરવાની ક્ષમતા ધરાવે છે.

વડાપ્રધાન મોદી આજે જે ઉદ્યોગપતિઓને મળવાના છે તેમાં એપલના સીઈઓ ટિમ કુક, ક્વાલકોમ, એડોબ અને બ્લેકસ્ટોન જેવી કંપનીઓના સીઈઓ સાથે હોટલમાં જ મુલાકાત કરશે. આ મુલાકાત માટે પીએમ મોદી જ્યાં રોકાયા છે તે હોટેલમાં ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. આ મુલાકાત પછી તેઓ ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન સ્કોટ મોરિસન અને જાપાનના વડાપ્રધાન યોશિહિડે સુગા સાથે મહત્વના મુદ્દે વાતચીત કરશે.

આ બંને કાર્યક્રમો બાદ વડાપ્રધાન મોદી અને અમેરિકાનાં ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસ વચ્ચે મુલાકાત થશે. મહત્વનું છે કે અમેરિકાનાં ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસ પણ ભારતીય મૂળનાં છે. ત્યારે આજની મુલાકાત ખાસ રહે તેવી સંભાવના છે.

આજે બપોરે પીએમ મોદી ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન સ્કોટ મોરિસન સાથે મુલાકાત કરશે. જ્યારે અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાયડેન 24 સપ્ટેમ્બરે વાઈટ હાઉસમાં પીએમ મોદીને આવકારશે. અમેરિકાનો પદભાર સંભાળ્યા બાદ પીએમ મોદી અને રાષ્ટ્રપતિ જો બાયડેન વચ્ચે આ પહેલી મુલાકાત હશે.

વડાપ્રધાન મોદી 25 સપ્ટેમ્બર સુધી અમેરિકાના પ્રવાસે છે તેઓ 26 સપ્ટેમ્બરે અમેરિકાથી પરત ભારત ફરશે. આ વખતે પ્રથમ વખત જો બાયડેન અને પીએમ મોદી રૂબરુ મુલાકાત કરવાના છે આ પહેલા બંને નેતાઓ વચ્ચે વર્ચ્યુઅલ બેઠકો થઈ છે.