વરસાદી કહેરઃ ઉપલેટામાં ફાટ્યું આભ , 2 કલાકમાં વરસ્યો 9 ઇંચ વરસાદ, 500 વીઘાનાં ખેતરો ધોવાયાં

ઉપલેટામાં ફાટ્યું આભ , 2 કલાકમાં વરસ્યો 9 ઇંચ વરસાદ, 500 વીઘાનાં ખેતરો ધોવાયાં, ખેડૂતોએ કહ્યું- મહેનત પર પાણી ફરી વળ્યું

ગયા રવિવારે રાજકોટ જિલ્લાને મેઘરાજાએ પાણી પાણી કરી મૂક્યું હતું ત્યારે ઉપલેટા વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદ પડ્યો હતો. એટલું જ નહીં ઉપલેટાના ડુમિયાણી ગામમાં આભ ફાટ્યું હોય એમ માત્ર બે કલાકમાં જ 8થી 9 ઇંચ વરસાદ પડ્યો હતો, જેના કારણે આ ગામમાં સૌથી વધારે નુકસાન ખેડૂતોને આવ્યું છે.

image source

ખેડૂતોની 1400થી 1500 વીઘા જમીનમાંથી 400થી 500 વીઘામાં પૂરનું પાણી ફરી વળ્યું જેના કારણે જમીનનું ધોવાણ થયું છે, આથી ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે અને તેમને જણાવ્યું હતું કે ખૂબ જ મહેનત કરીને તેમને પાક ઉછેર્યો, પણ એના પાણી ફરી વળ્યું જેના કારણે આખા વર્ષની કમાણી ગુમાવવાનો વારો આવ્યો છે.

ઉપલેટાના એક ખેડૂતે જણાવ્યું હતું કે એમની 20 વીઘા જમીનમાં અંદાજે 6થી 7 લાખ રૂપિયાનું ધોવાણ થયું છે. કપાસ, એરંડા અને મગફળીમાં પાણી ફરી વળતાં તમામ પાક નિષ્ફળ ગયો છે.

image source

આ અંગે ડુમિયાણી ગામના સરપંચે જણાવ્યું હતું કે અમારા ગામમાં દર વર્ષે 1400થી 1500 વીઘામાં વાવેતર થાય છે, પરંતુ દર વર્ષે ભારે વરસાદને કારણે 400થી 500 વીઘાનો પાક નિષ્ફળ જાય છે. દર વર્ષે સર્વે કરવામાં આવે છે, પણ ખેડૂતોને એકપણ રૂપિયો મળતો નથી. સરકાર સર્વે કરી ન્યાય આપે, નહીંતર અમે ગાંધીચીંધ્યા માર્ગે આંદોલન કરીશું.

અન્ય એક ખેડૂતે જણાવ્યું હતું કે ડુમિયાણી ગામમાં બે કલાકમાં 8થી 9 ઇંચ વરસાદ પડ્યો હતો, આથી અમારાં ખેતરો ધોવાય ગયાં છે. અમારા ગામમાં મગફળી, એરંડા અને કપાસનો મુખ્ય પાક લેવામાં આવે છે. ભારે વરસાદને કારણે એકબાજુ સારો વરસાદ હોય તો અમારે લીલો દુષ્કાળ જેવી પરિસ્થિતિ સર્જાય છે. પૂરી મહેનત કરીને પાક ઉછેર્યો, પણ પાણી ફરી વળ્યું છે.

image source

તેમને આગળ જણાવ્યું હતું કે સરકાર દર વર્ષે સર્વે કરાવે છે પણ એક રૂપિયાની પણ મદદ મળતી નથી. સરકારને વિનંતી છે કે 20 ટકા ખર્ચ અમે આપીએ અને તમે 80 ટકા આપો, જેથી ગામની નદીને ઊંડી કરવામાં આવે તો પાણીથી ધોવાતા અમારા ખેતર બચે.

ઉપલેટાના ડુમયાણી ગામના ખેડૂતોના જણાવ્યાનુસાર અહીં અંદાજિત 1400થી 1500 વીઘા જમીનની અંદર મગફળી, એરંડા અને કપાસનું મલવાવેતર થયું છે. એવામાં ગયા રવિવારે પડેલા ભારે વરસાદને કારણે અત્યારે 400થી 500 વીઘાનાં ખેતરોમાં ખેડૂતોના પાક ધોવાઈ ગયા છે. ખેડૂતોનાં ખેતરોમાં થયેલા નુકસાન બાદ ધોવાયેલાં ખેતરોમાંથી બળેલા પાકને ઉપાડી લીધો છે.