વણેલા ગાંઠિયા – નાસ્તાના ગાંઠિયા ને હાથથી ટ્વીસ્ટ આપીને – વણીને બનાવવામાં આવતા હોય છે..

વણેલા ગાંઠિયા :

ગુજરાતી બ્રેકફાસ્ટમાં ગાંઠિયા એ લોકપ્રિય સેવરી નાસ્તો છે. તેની સાથે ફ્રાય કરેલા લીલા મરચા, ગાજર, કાચા પપૈયાથી બનેલ સલાડ અને ગરમા ગરમ ચા સર્વ કરવામાં આવતી હોય છે. તેમજ ગાંઠિયા સાથે સ્વીટમાં ગરમા ગરમ જ્યુસી જલેબી પણ સર્વ કરવામાં આવતી હોય છે. જે ગાંઠિયાના નાસ્તાને ઓર લાજવાબ બનાવે છે. આ સ્વાદિષ્ટ નાસ્તાના ગાંઠિયા ને હાથથી ટ્વીસ્ટ આપીને – વણીને બનાવવામાં આવતા હોવાથી તેને વણેલા ગાંઠિયા કહેવામાં આવે છે. વણેલા હોવાથી થોડા સોફ્ટ હોય, મોંમાં મૂકતા જ મેલ્ટ થઈ જાય તેવા સરસ હોય છે. તેથી વણેલા ગાંઠિયા નાસ્તા માટે બધાના હોટ ફેવરીટ છે.

ફરસાણના સ્ટોર્સમાં બધે વણેલા ગાંઠિયા ફ્રેશ – ગરમા ગરમ –લાઇવ મળતા હોય છે. લોકો ત્યાં સ્થળ પર જ નાસ્તો કરવાની બહુ મજા માણતા હોય છે. સ્ટ્રીટ ફુડ તરીકે પણ બહુ જાણીતા છે. ગુજરાત, કાઠિયાવાડમાં લગ્ન પ્રસંગોએ પણ સવારના નાસ્તામાં તળેલા મરચા, સિઝન પ્રમાણેના સલાડ, જલેબી તેમજ ગરમા ગરમ ચા સાથે પીરસવામાં આવતા હોય છે.

ગાંઠિયા બેસન, ઓઇલ, સોડા, થોડા સ્પાઇસીસ અને પાણી જેવી સામગ્રીમાંથી ખુબજ સરળતાથી બની જાય છે. બહુ વધારે મસાલાની જરુર પડતી નથી.

અહીં હું બનાવવામાં ખૂબજ સરળ અને બધાના હોટ ફેવરીટ એવા નાસ્તા માટેના ગાંઠિયાની પર્ફેક્ટ માપ સાથે રેસિપિ આપી રહી છું. તો તમે પણ તમારા રસોડે ચા સાથેના બ્રેકફાસ્ટ્માં ગરમા ગરમ ગાંઠિયા બનાવીને બધાને ચોક્કસથી ખવડાવજો.

વણેલા ગાંઠિયા બનાવવા માટેની સામગ્રી :

  • 250 ગ્રામ બેસન અથવા 2 ½ કપ બેસન
  • ½ કપ ઓઇલ +1 ટી સ્પુન + 1 ટી સ્પુન
  • ½ કપ પાણી
  • ½ ટી સ્પુન સોડા બાય કાર્બ અથવા બેકિંગ પાવડર
  • 1 ટેબલ સ્પુન મરી અધકચરા ખાંડેલા – સ્વાદ મુજબ વધારે લઈ શકાય
  • 1 ટી સ્પુન અજમા – અધકચરા કરેલા
  • હિંગ – ગાંઠિયા પર સ્પ્રીંકલ કરવા માટે
  • સોલ્ટ- સ્વાદ મુજબ
  • ઓઇલ ફ્રાય કરવા માટે

વણેલા ગાંઠિયા બનાવવા માટેની રીત :

સૌ પ્રથમ એક મોટા વાસણ પર ચળણી મૂકી તેમાં 250 ગ્રામ બેસન અથવા 2 ½ કપ બેસન ઉમેરી બરાબર ચાળી લ્યો ( બેસન હંમેશા ચાળી ને લેવાથી રીઝલ્ટ સારુ મલશે ).

હવે તેમાં 1 ટી સ્પુન અધકચરા કરેલા અજમા અને સોડા ઉમેરી મિક્ષ કરી લ્યો. ત્યારબાદ સ્વાદ મુજબ સોલ્ટ ઉમેરી મિક્ષ કરી લ્યો. ત્યારબાદ એક ઉંડા વાસણમાં ½ કપ ઓઇલ અને ½ કપ પાણી લઈ મિક્સ કરી લ્યો. હવે બ્લેંડર વડે 3-4 મિનિટ ઓઇલ પાણીનું મિશ્રણ બ્લેંડ કરો. બ્લેંડ થઈ રહેલા મિશ્રણનો કલર ચેંજ થઈ વ્હાઈટ થઈ જાય ત્યાં સુધી મિશ્રણ બ્લેંડ કરો. ( પાણી અને ઓઇલ મિક્ષ કરી બ્લેંડ કરી લેવાથી તેનું બનેલું મિશ્રણ એકરસ થઇ જાય છે, તેનાથી ગાંઠિયાનો લોટ બાંધવાથી લોટનું ટેક્સ્ચર સરસ સ્મુધ બનશે, પરિણામે વણેલા ગાંઠિયા પણ સરસ બનશે ).

હવે બનાવેલા વ્હાઈટ મિશ્રણથી લોટ બાંધવા માટે બેસનમાં થોડું થોડું મિશ્રણ ઉમેરતા જઈ લોટ બાંધી લ્યો. લોટ ઢીલો લાગે તો તેમાં જરુર પડે તો 2-3 ટેબલ સ્પુન ચાળેલું બેસન ઉમેરી મિક્ષ કરીને તમારાથી ગાંઠિયા વણી શકાય તેવો લોટ બાંધી લ્યો. ( બહુ ટાઇટ લોટ બાંધવાથી ગાંઠિયા સોફ્ટ નહી થાય ).

બંધાયેલા લોટ પર 1 ટી સ્પુન જેટલું ઓઇલ ઉમેરી કલર ચેંજ થાય અને સ્મુધ થાય ત્યાં સુધી ફરી મસળીને કણેક બનાવી લ્યો.

ફરી તેના પર 1 ટી સ્પુન ઓઇલ લગાડીને લોટ ઓઇલથી કવર કરી લ્યો. જેથી ગાંઠિયા વણતા દરમ્યાનમાં ઉપરથી સુકાઈ જાય નહી.

હવે ગાંઠિયા તળવા માટે એક મોટા લોયામાં ઓઇલ ગરમ મૂકો.

બાંધેલા ગાંઠિયાના લોટમાંથી થોડો લોટ લઈ, તેમાં તમારા સ્વાદ મુજબ અધકચરા કરેલા થોડા મરી ઉમેરી, તેને લોટમાં મિક્ષ કરી લેવા.

હવે લોટને સિલેંડર શેઇપ આપો. હથેળી ઓઇલથી ગ્રીસ કરી લ્યો. હવે ચોપિંગ બોર્ડ કે રોલિંગ બોર્ડ પર સાવ થોડું જ ઓઇલ લઈ ગ્રીસ કરી લ્યો. (વધારે ઓઇલ લગાડવાથી લોટ સ્લિપ થશે જેથી ગાંઠિયા બરાબર વણાશે નહિ).

હવે સિલેંડર શેઇપ આપેલા લોટનાં છેડે હથેળીની સાઈડથી થોડું પ્રેસ કરતા જઈ, લોટને થોડો આગળ ખેંચતા જઈ લાંબો કરતા જઇ, થોડો ટ્વીસ્ટ કરતા જવો. જેથી સરળતાથી ગાંઠિયા લાંબા અને વણેલા બનશે. થોડા ગાંઠીયા વણીને એક પ્લેટમાં ભેગા કરી પછી એક્સાથે ફ્રાય કરતા જવા. ( પિકચરમાં બતાવ્યા પ્રમાણે ).

હવે ઓઇલ બરાબર ફ્રાય કરવા જેવું થઈ જાય એટલે ફ્લૈમ મિડિયમ કરી, પછી તેનાં વણેલા ગાંઠિયા ઉમેરી ફ્રાય કરવા. થોડીવાર ફ્રાય થઈ બબલ ઓછા થવા માંડે એટલે જારા વડે ફેરવીને ઉપર-નીચે કરીને ફ્રાય કરી લેવા. ઉપરથી ક્રંચી અને અંદરથી સોફ્ટ થઈ જાય ત્યાં સુધી ફ્રાય કરી લેવા. હવે ગરમ-ગરમ ગાંઠિયા પર તમારા સ્વાદ મુજબ હિંગ સ્પ્રિંકલ કરતા જવી.

આ પ્રમાણે થોડા થોડા ગાંઠિયા બનાવતા જવા અને ફ્રાય કરતા જવુ…. આ રીતે બધા ગાંઠિયા ફ્રાય કરી લેવા. ખૂબજ સ્વાદિષ્ટ, ખુશ્બુદાર ક્રંચી-સોફ્ટ ટેસ્ટવાળા ગાંઠિયા તૈયાર થશે.

આ ગરમા ગરમ ગાંઠિયા બ્રેક્ફાસ્ટમાં ગરમા ગરમ ચા, ખાટું અથાણું, ફ્રાય કરેલા લીલા મરચા તેમજ ગાંઠિયાની ગ્રીન ચટણી સાથે સર્વ કરવામાં આવે છે. આ ઉપરાંત ગાજર પપૈયાનું મસાલેદાર સલાડ, કઢી, લાલ મરચાનું અથાણું, ઓનિયન-ટમેટાની સ્લાઇઝ સાથે પણ સર્વ કરી શકાય.

બ્રેકફાસ્ટમાં કે સાંજે નાસ્તામાં આ ગરમા ગરમ ગાંઠિયા બધાને ખૂબજ ભાવશે.

તો તમે પણ ખૂબજ સરળ અને જલ્દી બની જતા આ વણેલા ગાંઠિયા બનાવવાની ટ્રાય કરજો.

રસોઈની રાણી : શોભના વણપરિયા

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.