લ્યો બોલો જેને પ્રેમ કરતો હતો તેની સાથે ન થયા લગ્ન તો યુવક ચઢી ગયો ચોરીના રવાડે

સૌરાષ્ટ્રમાંથી ગુનાખોરીને નાથવા માટે પોલીસે કમર કસી છે. જે અભિયાનના ભાગરૂપે તાજેતરમાં પોલીસે ચોટીલાના વતની એવા 2 મિત્રોની ધરપકડ કરી. આ બંને મિત્રો રાજ્યના 8 જિલ્લામાં બાઈક ચોરી કરી તરખાટ મચાવી ચુક્યા છે. તેમની પાસેથી પોલીસે 7 લાખથી વધુની કિંમતની 40 બાઈક પણ જપ્ત કરી છે. જો કે આ બે ચોરની જ્યારે પુછપરછ કરવામાં આવી ત્યારે જે ખુલાસા થયા તે ચોંકાવનારા હતા. સૌથી પહેલા તો એક આરોપીએ પોલીસ સમક્ષ ઘટસ્ફોટ કર્યો કે અભિનેત્રી ડિમ્પલ કાપડિયા તેના સંબંધી થાય છે.

આટલો મોટો ઘટસ્ફોટ કરનાર આરોપી વિશે વધુ વિગતો જાણવાનું મન ચોક્કસથી થાય જ. તો આ અંગે જે જાણકારી મળે છે તે મુજબ ચોરીની ઘટનાઓને અંજામ આપતો મુખ્ય આરોપી મૂળ ચોટીલાનો વતની સિરાજ પહેલાથી ચોરીના રવાડે ચઢેલો ન હતો. જાણીને આશ્ચર્યનો પાર નહીં રહે કે આ વ્યક્તિ જે હવે ચોર બની ચુક્યો છે તે એક સમયે અમેરિકામાં રહીને ડ્રાઇવિંગનું કામ કરી મહિને દોઢ લાખ કમાતો હતો.

image soucre

તે અમેરિકા હતો ત્યારે તેને એક યુવતી સાથે પ્રેમ થયો અને તેની સાથે લગ્ન કરવા તે અમેરિકાથી ચોટીલા આવ્યો. પરંતુ કોઈ કારણોસર તેના લગ્ન નઈ શક્યા નહીં અને આ વાતના આઘાતમાં તે બધું છોડી અને ચોરીના રવાડે ચઢ્યો. તેનો સાથ આપ્યો તેના એક મિત્રએ. બંને યુવકો તકની શોધમાં રહેતા કે કોઈ હેન્ડલ લોક વિનાની બાઈક મળે તો તેને માસ્ટર કીથી ઉઠાવી જઈ ગ્રામ્ય વિસ્તારમાં વેચી દેતા. જે પૈસા મળે તેનાથી દારુ પી અને જુગાર રમી લેતા.

આ બેલડી પોલીસની નજરમાં આવી ચુકી હતી અને તેમને પકડી પાડવા માટે પોલીસે છટકું ગોઠવી રાખ્યું અને તે બંને ઝડપાઈ પણ ગયા. પોલીસે સિરાજ અને રાજૂને ચોરીની બાઈક સાથે રાજકોટ-અમદાવાદ હાઇવે પરથી ઝડપી લીધા હતા. ધરપકડ બાદ જ્યારે પોલીસે બંનેની પુછપરછ હાથ ધરી તો બાઈક ચોરીના ગુનામાં પકડાયેલા સિરાજે જણાવ્યું કે અભિનેત્રી ડિમ્પલ કાપડિયા તેના કૌટુંબિક ફઈની દીકરી થાય છે.

જો કે આ બાબતનો ઉલ્લેખ પોલીસે કેસમાં કર્યો નથી. મહત્વનું છે કે અભિનેત્રી ડિમ્પલ કાપડિયા ચોટીલાના જ વતની છે. પરંતુ તે અને તેનો પરિવાર વર્ષોથી મુંબઈમાં જ રહે છે.