કેન્દ્ર સરકારની ચિંતા વધારી આ રાજ્યએ, કોરોનાના કેસમાં ચિંતાજનક ઉછાળો આવ્યો

દેશમાં ફરી એકવાર કોરોના વાયરસના કેસોમાં વધારો થવા લાગ્યો છે. આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના જણાવ્યા અનુસાર ગુરુવારે 24 કલાકમાં 46,164 નવા કેસ નોંધાયા છે અને 607 લોકોના મોત થયા છે. આ સમયગાળા દરમિયાન 34,159 લોકો સ્વસ્થ પણ થયા છે. નવા આંકડાઓ પછી દેશમાં કોરોનાના કુલ કેસોની સંખ્યા વધીને 3,25,58,530 થઈ છે. જ્યારે એક્ટિવ કેસોની સંખ્યા 3,33,725 અને કુલ મૃતકોની સંખ્યા 4,36,365 પર પહોંચી ગઈ છે.

image source

અત્રે નોંધપાત્ર બાબત એ છે કે સતત બીજા દિવસે કોરોનાને કારણે મૃત્યુઆંક 600ને પાર થયો છે. મહત્વનું છે કે છેલ્લા કેટલાક દિવસોથી દેશમાં કોરોનાના કેસ સતત ઘટતા જણાયા હતા ગત મંગળવારે ભારતમાં 37, 593 નવા કેસ નોંધાયા હતા. જ્યારે આજે આવેલા કેસ 13 ઓગસ્ટ બાદથી એક દિવસમાં નોંધાયેલા સૌથી વધારે કેસ છે.

image source

દેશમાં રિકવરી રેટ પણ છેલ્લા કેટલાક દિવસથી સતત સુધરી રહ્યો છે. છેલ્લે રિકવરી રેટ 97 ટકાથી પણ વધારે નોંધાયો હતો. પરંતુ તે વચ્ચે કોરોનાના નવા કેસમાં આવેલો આ ઉછાળો ચિંતાજનક છે. છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ કેસ કેરળમાં નોંધાયા હતા. જણાવી દઈએ કે કેરળમાં તાજેતરમાં જ ઓણમની ઉજવણી કરવામાં આવી હતી ત્યારબાદ એક દિવસમાં નોંધાતા કેસમાં સતત વધારો થઈ રહ્યો છે.

image source

કેરળમાં બુધવારે ત્રણ મહિનાના અંતરાલ બાદ 30,000થી વધુ કેસ એક સાથે નોંધાયા હતા. અહીં સંક્રમણ દર 19 થયો છે. બુધવારે કેરળમાં રોજના નોંધાતા કેસમાં સૌથી મોટો ઉછાળો આવ્યો હતો. અહીં 24 કલાકમાં 31,000થી વધુ કેસ નોંધાયા હતા. આ નવા કેસ સાથે કોરોના સંક્રમિતોની સંખ્યા 3883429 થઈ છે. જ્યારે અહીં 215 દર્દીના મોત થયા છે તેની સાથે અત્યાર સુધીના કુલ મોત 19,972 થયા છે.

image source

21 ઓગસ્ટની ઓણમની ઉજવણી બાદ સ્વાસ્થ્ય નિષ્ણાંતોનું કહેવું છે કે પોઝિટિવીટી રેટ 20 ટકાથી પણ વધી શકે છે. કેરળના આંકડા જોતા કહી શકાય છે કે 29 મે બાદ નવા કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. મંગળવારે દૈનિક કેસની સંખ્યા 17 હજારથી નીચે હતી પરંતુ ગુરુવારે ચિંતાજનક આંકડા સામે આવ્યા છે.