આજની પોઝિટિવ સ્ટોરી: ગુજરાતના ગૌરવ સમા સબળસિંહ વાળા: ચાલવું તેમના માટે બે પગનો નહીં, ડાબા હાથનો ખેલ છે

આજની પોઝિટિવ સ્ટોરી

ગુજરાતના ગૌરવસમા સબળસિંહ વાળા : ચાલવું તેમના માટે બે પગનો નહીં, ડાબા હાથનો ખેલ છે

ગુજરાત વિશ્વકોશ દ્વારા ‘ગુજરાત’ નામનું અદ્‌ભૂત અને અધિકૃત પુસ્તક પ્રકાશિત થયું છે. આ પુસ્તકના પરિશિષ્ટમાં ગુજરાતનું ગૌરવ કહી શકાય તેવી એક સો વ્યક્તિની યાદી પ્રકાશિત થઈ છે. તેમાં અમદાવાદના સબળસિંહ વાળાનો સમાવેશ કરાયો છે.

કોણ છે આ સબળસિંહ વાળા ? તેમની સિદ્ધિ શું છે ?

સબળસિંહ વાળા વીર ચાલવાવાળા છે. અત્યાર સુધી તેઓ ત્રણ લાખથી વધુ કિમી ચાલી ચૂક્યા છે. ચાલવું એ તેમના માટે બે પગનો નહીં, ડાબા હાથનો ખેલ છે. આજ કાલ લોકોને ચાલવાનો કંટાળો આવે છે. ત્યારે સબળસિંહ વાળાને ચાલવાની મજા આવે છે. હમણાં તેઓ, યોગેશ મથુરિયાની સાથે શ્રીલંકામાં ચાલી આવ્યા. અત્યારસુધી ભારત ઉપરાંત અમેરિકા અને કેનેડામાં પણ ચાલ્યા છે. ભણતાં હતા ત્યારે રાજકોટથી નાસિક (૮૦૦ કિમી) ચાલતા ગયેલા.

અમદાવાદથી કન્યાકુમારી સુધી ૩૦૦૦ કિમી ચાલીને ગયા હતા. ચારધામની જાત્રા પણ તેમણે ચાલીને કરી છે. એક વખત સૌરાષ્ટ્રથી દક્ષિણ ગુજરાતના ધરમપુર સુધીની યાત્રા રમતા રમતા કરેલી. કિમી હતા ૧૭૦૦. તેમની દીકરી કેનેડાના ટોરેન્ટોમાં વસે છે. એક વખત ટોરેન્ટોના કી-પોઈન્ટથી ફ્લોરીડા સુધી ચાલતા ગયેલા. કિમી હતા માત્ર ૩૩૦૦. અન્ય એક વખત ટોરેન્ટોથી ન્યૂયોર્ક ૩૦૦ કિમી ચાલતા ગયેલા. ૧૯૫૪થી દરરોજ ૧૫-૨૦ કિમી તો ચાલે જ છે.

તેમની મહેચ્છા ચાલીને સમગ્ર વિશ્વની પ્રદક્ષિણા કરવાની હતી. એક મંત્રીએ અમદાવાદમાં એક કાર્યક્રમમાં તેમને કહ્યું કે તમે દિલ્હી આવજો. હું વિઝા માટે મદદ કરીશ. વાળા સાહેબ પહોંચ્યા દિલ્હી. મંત્રી બદલાઈ ગયેલા. પી.એ.એ ઉડાઉ જવાબ આપ્યો કે સાહેબ તો નથી. વાળા સાહેબ કહે કે કોઈ વાંધો નહીં, તેમને એટલું કહેજો કે હું તેમના કહ્યા પ્રમાણે અમદાવાદથી દિલ્હી આવેલો. ચાલતો આવેલો.

એક વખત અમૃતલાલ વેગડનું નર્મદાની પરિક્રમા પુસ્તક વાંચ્યું. પગ ઝાંઝર પહેરીને થનગનવા લાગ્યા. ૭૫ વર્ષની વયે તેમણે નર્મદા નદીની પરિક્રમા કરી. ૩૩૦૦ કિમીની આ પરિક્રમા તેમણે એક સાથે જ કરી. ના થાક, ના કોઈ રિસેશ.

સબળસિંહ વાળા ગુરુકુળના વિદ્યાર્થી. પ્રકૃતિ ખૂબ જ સરળ. પ્રામાણિકતા ભારોભાર. ચાણસ્માના મામલતદાર હતા ત્યારે ત્યાંના લોકો તેમના સમ ખાઈને વાત પાકી કરતા. આ સ્તરની તેમની પ્રતિષ્ઠા અને પ્રામાણિકતા હતી.

તેઓ ચાલે છે શા માટે ?

તેમને ગમે છે એટલા માટે. શાંતિની સ્થાપના માટે. પર્યાવરણ અને પ્રકૃતિ માટે તેમને ખૂબ લગાવ છે. ચાલીને તેઓ પ્રકૃતિની નજીક જાય છે.

તેઓ મફતનું કોઈનું ખાતા નથી કે મફતનું કંઈ લેતા નથી. કોઈના ઘરે રાતવાસો કરવાનું ટાળે છે. ધર્મશાળા, મંદિર, રેલવે સ્ટેશન, બસ સ્ટેશન કે પોલીસ સ્ટેશનમાં રહે છે. કોઈ દિવસ બિમાર પડ્યા નથી. ખોરાક પર પૂરો સંયમ છે. સબળસિંહ વાળાએ સરકારી નોકરી કરી છે તો ચાર વર્ષ કોલેજમાં અધ્યાપક તરીકે પણ કામ કર્યું છે. તેઓ પુરુષોત્તમ માવળંકરના પ્રીતિપાત્ર વિદ્યાર્થી હતા. માવળંકર સાહેબે આગ્રહપૂર્વક તેમને એલ.ડી.આર્ટસ કોલેજમાં અધ્યાપક તરીકે લેવડાવ્યા હતા.

સબળસિંહ વાળા દરરોજ ત્રણ વાગે જાગી જાય છે. ૨૪ કલાકમાંથી દરરોજ ૧૨-૧૩ કલાક જપ કરે છે. ચાલવાનું તો ખરું જ. ચાલ્યા વિના તેમને ચાલે જ નહીં. તેમના પગ જોઈને મેં હસતાં હસતાં કહ્યું કે તમારા પગ ઘણા ડાહ્યા લાગે છે. થાકતા નથી કે કંટાળતા નથી. વાળા સાહેબ કહે છે કે ખરેખર, મારા પગને કશું ના થાય. હું ગમે તેટલું ચાલું તો પણ તે થાકતા નથી. વાળાસાહેબનું વ્યક્તિત્વ નિખાલસ અને સરળ છે તો તેમનું હાસ્ય અટ્ટહાસ્ય છે. તેમને હસતા સાંભળવા અને જોવા એ પણ લ્હાવો છે. તેઓ ઉત્તમ વકતા પણ છે.

તેઓ લેખક પણ છે. તેમના ચાલવાના અનુભવો આધારિત બે પુસ્તકો પ્રકાશિત થયાં છે. ‘નર્મદા પરિક્રમા’ એ પુસ્તકનું સંપાદન ગુણવંત છો. શાહે કર્યું છે અને ‘અમેરિકાની આરપાર પગપાળા પ્રવાસ’ એ પુસ્તકનું સંપાદન ગૌરી બારડે કર્યુ છે.વાળાસાહેબ જાણે કે ચાલવા માટે જ જન્મ્યા છે. તેમના પત્ની મીરાબહેન ચાલવામાં બિલકુલ માનતાં નથી. તેમણે ૭૧ વર્ષની ઉંમરે રામાયણ લખી છે. તેમનાં દીકરા રઘુવીરસિંહ વાળા અમદાવાદના શહેરીજનોને ફિટ રાખે છે. અમદાવાદ શહેરમાં તેમના છ વાલાસ્‌ જિમ છે.

સબળસિંહ વાળા ગુજરાતનું ગૌરવ છે. તેમને ચાલવાના એમ્બેસેડર બનાવીને લોકો વધુને વધુ ચાલતા થાય તેવું એક મોટું અભિયાન શરૂ કરવું જોઈએ. (સબળસિંહ વાળાનો સંપર્ક નં. ૯૦૯૯૦૨૭૭૭૯ છે.)

આલેખન

રમેશ તન્ના

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત