છત્તીસગઢની આ મહિલાઓએ ઇકો ફ્રેન્ડલી રાખડી બનાવી 90,000 ની કમાણી, તમે પણ જાણો નુસખો

એવું કહેવાય છે કે જો આપણામાં કોઈ હુનર હોય તો ગમે તેવી કઠિન પરિસ્થિતિમાં એ હુનર જે તે વ્યક્તિને કામ આવે જ છે. અને હુનર એક એવી મિલકત છે જે જો કોઈ હુનરમંદ વ્યક્તિ અન્ય વ્યક્તિને એ જ હુનર શીખવે તો પણ તેના હુનરમાં કોઈ ઓછપ આવતી નથી ઉલ્ટાનું તેને પણ નવો અનુભવ મળે છે.

ખાસ કરીને મહિલાઓમાં એવા અનેક હુનર છુપાયેલા હોય છે જે તેને ઘરબેઠા જ રોજગારી પુરી પાડી શકે છે. જો તમે તમારી આજુબાજુ અવલોકન કરશો તો જાણવા મળશે કે અનેક મહિલાઓ એવી હશે જેઓ બહુ ભણેલ ગણેલ નહિ હોય પણ અન્ય હુનરમંદ પાસેથી શીખેલ હુનરને કારણે તે આગળ આવીને રોજગારી મેળવે છે.એટલું જ નહીં ઘણી ખરી ગૃહ ઉદ્યોગ કરતી બહેનો ઘરબેઠા રોજગારી મેળવી પોતાના ઘરનું ગુજરાન પણ ચલાવતી હોય છે.

આવું જ એક હુનર છે રાખડી બનાવવાનું. સામાન્ય રીતે રાખડી એક એવી વસ્તુ છે જે મોટાભાગે મશીનરીના ઉપયોગ વિના જ બનાવવામાં આવતી હોય છે. વળી, રાખડીમાં અનેક જાતના પ્રકારો હોય છે અને તેમાં પણ વેરાયટી અને વિશેષતાઓનો બહોળો વિકલ્પ જોવા મળે છે. જો કે રાખડીનું વેંચાણ રક્ષાબંધનના તહેવાર પૂરતું જ થતું હોય છે જેથી રાખડી બનાવવાનો ઉદ્યોગ પણ બારે મહિના નહિ પણ રક્ષાબંધનના તહેવાર અનુસંધાને પુરબહાર ખીલે છે.

આમ તો ગામે ગામ રાખડી બનાવવામાં આવતી હોય છે પરંતુ હાલમાં છત્તીસગઢ રાજ્યની મહિલાઓએ રાખડી બનાવી સૌનું ધ્યાન ખેંચ્યુ છે. છત્તીસગઢની અમુક મહિલાઓએ એવી રાખડી બનાવી છે કે જેના વિશે જાણીને તમને ચોક્કસ આશ્ચર્ય થશે. અસલમાં આપણે અહીં રાખડી બનાવતી જે મહિલાઓની વાત કરીએ છીએ તે એક સેલ્ફ હેલ્પ ગ્રુપનો ભાગ છે. આ મહિલાઓનું હુનર આગામી રક્ષાબંધનના તહેવારના દિવસે અનેક ભાઈ બહેન માટે યાદગાર બનાવશે.

મહિલાઓએ બનાવી ઇકો ફ્રેન્ડલી રાખડી

આ મહિલાઓએ વેજીટેબલ એટલે કે શાકભાજીના બીજ, અનાજ અને વાંસની રાખડીઓ બનાવી છે. આ રાખડીઓને પ્લાસ્ટિક જેવી પર્યાવરણને નુકશાન કરતી ચીજ વસ્તુઓના ઉપયોગ કર્યા વિના ફક્ત ઓર્ગેનિક ચીજ વસ્તુઓનો ઉપયોગ કરીને બનાવવામાં આવી છે.

1 લાખથી વધુની કમાણી

સેલ્ફ હેલ્પ ગૃપના એક મહિલા સભ્ય લતા સાહુના જણાવ્યા મુજબ, આ મહિલાઓએ ગયા વર્ષે પણ 5000 રાખડીઓ બનાવી હતી અને તેના કારણે તેઓને 1 લાખ રૂપિયાની કમાણી થઈ હતી. આ વર્ષે ગ્રુપની મહિલાઓ 90,000 રૂપિયાની કમાણી કરી ચુકી છે. હજુ રક્ષાબંધનના તહેવારને થોડો સમય બાકી છે એટલે આ સેલ્ફ હેલ્પ ગ્રુપની મહિલાઓ માટે કમાણી કરવાનો હજુ થોડો મોકો છે. આ મહિલાઓ સમાજની એ મહિલાઓ માટે એક ઉદાહરણ છે જે કોઈ કારણોસર વિકાસ નથી પામી શકી.

નજીક જ છે રક્ષાબંધનનો તહેવાર

અહીં એ ઉલ્લેખનીય છે કે ભાઈ બહેનનો તહેવાર એટલે કે રક્ષાબંધનનો તહેવાર હવે નજીક આવી રહ્યો છે. અને આ તહેવારને ભારતભરમાં મોટી સંખ્યામાં લોકો મનાવે છે. અને તહેવાર નિમિત્તે બહેન પોતાના ભાઈને હાથમાં પર રાખડી બાંધે છે.