દાલ બાટી – રાજસ્થાનની આ મસાલેદાર રેસિપી પરફેક્ટ બનાવતા શીખો ફટાફટ..

આ એક પ્રોપર રાજસ્થાની વાનગી છે આજે દરેક જગ્યાએ મળતી હોય છે. અમારા અમદાવાદમાં ગોપીની દાલ બાટી બહુ ફેમસ છે. પણ આ કપરા કોરોનાકાળમાં બહારનું કાંઈ પણ ખાવાની ઈચ્છા થતી નથી. મારા બાળકોને આમ પણ ઘરે બનાવેલ દાલ બાટી ખુબ પસંદ છે. તો આજે હું તમારા બધા માટે લાવી છું બહાર જેવી જ દાલ બાટી બનાવવાની સરળ રીત.

આમ તો દાલ બનાવવામાં બધા મસાલા વઘારમાં જ કરવામાં આવતા હોય છે પણ તેમાં અમુક વાર અમુક મસાલા બળી જવાની શક્યતા હોય છે એટલા માટે મેં અહીંયા બીજી એક સરળ રીત જણાવી છે.

દાલ બનાવવા માટેની સામગ્રી

  • ચણા દાળ – 1 વાટકી
  • તુવેરની દાળ – પોણી વાટકી
  • મગની મોગર દાળ – અડધી વાટકી
  • અડદની દાળ – પા વાટકી
  • લસણ – 50 ગ્રામ
  • ડુંગળી – 2 મીડીયમ સાઈઝ જીણી સમારેલી
  • લાલ મરચું – 5 મોટી ચમચી
  • મીઠું – સ્વાદ મુજબ
  • હળદર – એક ચમચી
  • ધાણાજીરું – એક ચમચી
  • ગરમ મસાલો – અડધી ચમચી
  • હિંગ – અડધી ચમચી
  • લીંબુનો રસ – અડધી ચમચી
  • આદુ – એક નાનો ટુકડો
  • રાઈ – જીરું – વઘાર માટે
  • લીલા ધાણા – છેલ્લે ઉમેરવા માટે

દાલ બાટીની દાળ બનાવવા માટેની સરળ રેસિપી

1. સૌથી પહેલા તુવેરની દાળ અને ચણાની દાળ બે ત્રણ વાર ધોઈને અલગ અલગ પલાળવાની, ભેગી પલાળશો તો પણ ચાલશે. એક થી બે કલાક પલાળી રાખવી. જો બહુ સમય નથી તો તમે આ બંને દાળને હૂંફાળા ગરમ પાણીમાં પણ પલાળી શકો છો.

2. હવે પલળી ગયેલ બંને દાળ અને બાકીની બંને દાળ કૂકરમાં લેવી અને બરાબર ધોઈને બાફવા માટે મુકવી.

3. દાળ બફાઈ જાય પછી તે દાળમાં બ્લેન્ડર કર વલોણી મારવાની નથી. તમે ઈચ્છો તો દાળના ચમચાથી થોડીદાળ ક્રશ કરી શકો છો.

4. દાળ બફાઈ જાય પછી તેમાં ત્રણ થી ચાર ગ્લાસ પાણી ઉમેરવું (પાણી એ તમારે દાળ કેવી રાખવી છે એ પર આધાર રાખે છે વધુ પાતળી જોઈએ તો પાણી વધુ નહીતો ઓછું પાણી ઉમેરજો)

5. હવે આ દાળમાં ધાણાજીરું, ગરમ મસાલો ઉમેરવી.

6. હવે આમાં મીઠું અને હળદર પણ ઉમેરી દેવો

7. આ મિશ્રણમાં ધાણા અને મીઠો લીમડો પણ ઉમેરી શકો (મીઠો લીમડો વઘારમાં પણ ઉમેરી શકો.)

8. હવે એક પેનમાં ચાર થી પાંચ મોટી ચમચી તેલ લેવું અને તેમાં રાઈ અને જીરું ઉમેરવું રાઈ અને જીરું ફૂટે એટલે તેમાં હિંગ ઉમેરવી.

9. હવે આ તેલમાં જીણી સમારેલી ડુંગળી ઉમેરવી અને તેને બરોબર સાંતળવી

10. હવે તેમાં બનાવેલ લસણની ચટણી ઉમેરો. (લસણની ચટણી બનાવવાની રીત આ રેસિપીના એન્ડમાં આપી છે.)

11. હવે તેમાં અડધો ગ્લાસ પાણી ઉમેરો.

12. પાણી બરાબર ઉકળી જાય પછી એ વઘારને કૂકરમાં તૈયાર કરેલ દાળમાં ઉમેરો.

13. હવે દાળને ઉકળવા માટે ગેસ પર મુકો. થોડીવાર ઉકાળ્યા પછી હવે તમારી દાળ તૈયાર છે.

લસણની ચટણી

મીક્ષરના નાના કપમાં લસણ, લાલ મરચું અને મીઠું ઉમેરો, આ મિશ્રણને ક્રશ કરી લો. આ ચટણીનો ઉપયોગ દાલના વઘારમાં પણ કરી શકો અને દાલ બાટી ખાવાના સમયે પણ કરી શકો.

હવે બાટી પરફેક્ટ બનાવતા શીખવા માટે અહીંયા ક્લિક કરો.

રસોઈની રાણી : પદમા ઠક્કર

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.