પિઝ્ઝાની ડિલીવરી કરતો બોય કોરોના પોઝિટિવ, 72 પરીવાર કોરોન્ટાઈનમાં પહોંચ્યા

દેશમાં કોરોનાના કેસના આંકડા અટકવાનું નામ નથી લઈ રહ્યા. દેશમાં અત્યાર સુધીમાં 12,000થી વધુ લોકો કોરોનાથી પીડિત છે. કોરોનાના કારણે 400થી વધુ લોકોના જીવ ગુમાવ્યા છે. તેવામાં રાજધાની દિલ્હીમાં એક સાથે 72 પરીવાર જોખમમાં મુકાઈ ગયા છે.

image source

આમ થવાનું કારણ છે કે દિલ્હીના એક પીઝ્ઝા ડિલીવરી કરતાં બોયનો કોરોનાનો રીપોર્ટ પોઝિટિવ આવ્યો છે. દિલ્હીના દક્ષિણી વિસ્તારના ખ્યાતનામ પિઝ્ઝા ચેનના ડિલીવરી બોયને કોરોના હોવાનું સામે આવ્યું છે. આ જાણકારી મળ્યા બાદ તેણે જે 72 ઘરમાં પિઝ્ઝા ડિલીવર કર્યા હતા ત્યાં તમામને કોરોન્ટાઈન કરવામાં આવ્યા છે.

દક્ષિણી દિલ્હીના વરિષ્ઠ અધિકારીના જણાવ્યાનુસાર દિલ્હીના માલવીય નગર વિસ્તારમાં એક પ્રખ્યાત પિઝ્ઝા ચેન છે જેના ડિલીવરી બોયને કોરોનાનો ચેપ લાગ્યો છે. ત્યારબાદ આ વિસ્તારના 72 પરીવારોને કોરોન્ટાઈન રહેવાનું કહેવાયું છે. આ ઉપરાંત પિઝ્ઝા આઉટલેટના 16 કર્મચારીઓને પણ કોરોન્ટાઈન કરવામાં આવ્યા છે. સાથે જ જે ઘરમાં આ વ્યક્તિએ ડિલિવરી કરી હતી તે ઘરના એડ્રેસ લેવાની કાર્યવાહી શરુ કરવામાં આવી છે.

અધિકારીઓએ સ્પષ્ટતા પણ કરી છે કે લોકો ગભરાય નહીં. કારણ કે તમામ ડિલીવરી બોય માસ્ક અને ગ્લવ્સ પહેરે જ છે. પરંતુ તેમ છતાં સુરક્ષાના ભાગરુપે સેલ્ફ કોરોન્ટાઈન રહેવાનું લોકોને કહેવામાં આવ્યું છે.

આ સાથે જ ડિલિવરી બોયની સારવાર પણ શરુ કરી દેવામાં આવી છે. તેને નિયમિત મોનિટર કરવામાં આવે છે. જ્યારે આ રેસ્ટોરન્ટને પણ થોડા સમય માટે બંધ કરી દેવામાં આવ્યું છે. તેના સંપર્કમાં આવેલા લોકોની પણ ઓળખ કરવામાં આવી રહી છે.