ઈમરાન ખેડાવાલા બાદ તેના પરીવારના 5 સભ્યો પણ કોરોના પોઝિટિવ, તેવામાં ડીજીપીએ આપ્યા તપાસના સંકેત

ગુજરાતમાં કોરોનાના કેસ અટકવાનું નામ નથી લઈ રહ્યા તેમાં પણ અમદાવાદમાં કોરોનાના કેસમાં કુદકેને ભુસકે વધારો થઈ રહ્યો છે.

image source

આ ચિંતામાં વધારો ત્યારે થયો જ્યારે કોંગ્રેસી ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાને પણ કોરોના હોવાનું સામે આવ્યું. તેના કોરોનાનો રીપોર્ટ પોઝિટિવ આવવાથી ગાંધીનગર સુધી તમામ લોકો ધ્રુજી ગયા છે કારણ કે સેમ્પલ આપ્યા બાદ તેમણે મુખ્યમંત્રી સહિતના નેતાઓ સાથે એક બેઠકમાં ભાગ લીધો હતો. આ વાતની ગંભીર નોંધ લેવામાં આવી છે.

કોરોનાના લક્ષણો જણાયા બાદ ટેસ્ટ માટે સેમ્પલ આપ્યા હોવા છતાં એકાંતમાં રહેવાને બદલે તેઓ અન્ય 2 ધારાસભ્યો સાથે બેઠકમાં ભાગ લેવા પહોંચ્યા હતા. આ બાબતે તેમની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી થઈ શકે છે.

ઈમરાન ખેડાવાલાના રીપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ આરોગ્ય તંત્ર દોડતું થયું છે અને સાથે જ પોલીસએ પણ આ મામલે લાલ આંખ કરી છે. ડીજીપીએ પણ સંકેત આપ્યા છે કે આ મામલે જરૂર જણાશે તો તપાસ શરુ કરવામાં આવશે. જો આમ થશે તો ઈમરાન ખેડાવાલા વિરુદ્ધ માહિતી છુપાવવાનો ગુનો દાખલ થઈ શકે છે અને મહામારી જેવી ગંભીર બાબતમાં બેદરકારી દાખવવા બદલ કાર્યવાહી થઈ શકે છે.

આ મામલે ભાજપના ભરત પંડ્યાએ તિખી પ્રતિક્રિયા આપી હતી. તેમણે કહ્યું હતું કે ધારાસભ્ય ખેડાવાલાને કોરોનાના લક્ષણો જણાયા બાદ પણ તે મુખ્યમંત્રી સહિત અન્ય વરીષ્ઠ નેતાઓને મળ્યા અને પોતે સેમ્પલ આપ્યા હોવાની માહિતી પણ છુપાવી. આ બાબત ગંભીર બેદરકારી છતી કરે છે. ખેડાવાલાએ તેમના પરીવારને પણ જોખમમાં મુકી દીધો છે.

આ વાત પણ સાચી પુરવાર થઈ છે. આજે ઈમરાન ખેડાવાલાના પરીવારના 5 સભ્યોના રીપોર્ટ પણ પોઝિટિવ આવ્યા છે. હાલ તમામને હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.