આ 5 કિસ્સાઓમાં વાંચી લો કોર્ટે આરોપીઓને કેમ હજારો વર્ષની ફટકારી હતી સજા
સામાન્ય રીતે માણસનું આયુષ્ય વધુમાં વધુ 100 વર્ષ માંડ હોય છે અને તેમાંય જો કોર્ટ આરોપીને હજારો વર્ષોની સજા ફટકારે તો આશ્ચર્ય તો થવાનું જ છે. પણ આવી હકીકતો બની પણ છે. આજના આ જાણવા જેવું વિભાગના આર્ટિકલમાં અમે આપને આવા જ અમુક કિસ્સાઓ વિષે વાત કરવાના છીએ જેમાં કોર્ટે આરોપીઓને હજારો વર્ષની સજા ફટકારી હતી. તો ચાલો જાણીએ વિસ્તારથી.

1). સ્પેનના 22 વર્ષીય પોસ્ટમેન ગેબ્રિઅલ માર્ચ ગ્રનાડોસને 40 હજાર જેટલા પત્રો અને પાર્સલોની ડિલિવરી ન કરવા સબબ વર્ષ 1972 માં કોર્ટે 3,84,912 વર્ષની સજા ફટકારી હતી. કોર્ટે પ્રત્યેક પત્ર અને પાર્સલની 9 વર્ષની સજા ગણી હતી. જો કે બાદમાં આ સજા ઘટાડીને 14 વર્ષ કરી દેવામાં આવી હતી.

2). થાઈલેન્ડની ચમોએ થિપ્યાસો નામની મહિલાને વર્ષ 1989 માં કોર્ટે 1,41,078 વર્ષની કેદની સજા સંભળાવી હતી. ચમોએ થિપ્યાસોને એક પિરામિડ સ્કીમમાં 16231 લોકોના અંદાજે 19 કરોડ રૂપિયાની છેતરપિંડી કરવા સબબ દોષિત જાહેર થઇ હતી. જો કે બાદમાં થાઈલેન્ડની સરકારે એક એવો કાયદો બનાવ્યો જે અંતર્ગત છેતરપિંડીના કેસમાં ગમે તેટલી લાંબી સજા ફટકારવામાં આવી હોય તમામ આરોપીને વધુમાં વધુ 20 વર્ષની જ સજા આપવામાં આવે..

3). સ્પેનની રાજધાની મેડ્રિડમાં વર્ષ 2004 માં થયેલા એક ટ્રેન વિસ્ફોટમાં શામેલ એક આતંકી ઓથમેન અલ નાઓઇને કોર્ટે 42,924 વર્ષની સજા સંભળાવી હતી. જયારે તેના અન્ય એક સાથી જમાલ જોઉગમને 42,922 વર્ષની સજા સંભળાવી હતી. જો કે સ્પેનિશ કાયદા મુજબ કોઈપણ નાગરિકને વધુમાં વધુ 40 વર્ષની સજા ફટકારવાની જ જોગવાઈ છે.

4). વર્ષ 1994 માં અમેરિકાના રાજ્ય અલ્બામા ખાતે રહેતા ચાર્લ્સ સ્કોટ રોબિન્સન નામના વ્યક્તિને કોર્ટે રેપ કેસમાં 30000 વર્ષની સજા ફટકારી હતી. જજે કુલ છ કેસોમાં પ્રત્યેક કેસની 5 – 5 હજારની સજા લેખે 30000 વર્ષની સજા આપી. ચાર્લ્સને આટલી લાંબી સજા સંભળાવ્યા બાદ જજે કહ્યું કે તે આરોપીને પેરોલ વિના ઉમરકેદની સજા ન આપી શકત, માટે તેને આટલી લાંબી સજા આપવામાં આવી જેથી તે પોતાની બાકીની જિંદગી જેલમાં વિતાવે. આનો અર્થ એમ હતો કે ચાર્લ્સને પેરોલ ત્યારે જ મળત જયારે 108 વર્ષનો ન થઇ જાય.

5). વર્ષ 1994 માં એલન વેન મૈક્લોરિન નામના શખ્સને કેટલાય કેસોમાં દોષિત થયા બાદ કોર્ટે તેને 21250 વર્ષની સજા સંભળાવી હતી. એલનને રેપના ચાર કેસમાં 8000 વર્ષે, ખતરનાક હથિયારો વડે હુમલો કરવાના કેસમાં 1500 વર્ષે અને લૂંટના અમુક કેસોમાં 500 – 500 વર્ષની સજા આપવામાં આવી હતી. એલનના સાથી મિત્રને પણ કોર્ટે 11250 વર્ષની સજા ફટકારી હતી.