લોકડાઉન પૂર્ણ થવામાં 3 દિવસ જ બાકી તેવામાં કોરોનાને ડામવા ઘડાઈ છે આ વ્યુહરચના, જાણો સંપૂર્ણ વિગતો

વડાપ્રધાન મોદીએ કોરોના વાયરસની ચેઈન તોડવા માટે જે 21 દિવસનું લોકડાઉન જાહેર કર્યું હતું તેની મુદત પુરી થવામાં 3 જ દિવસ બાકી છે.

image source

તેવામાં ચર્ચાઓ શરુ થઈ છે કે લોકડાઉન ખરેખર 14 એપ્રિલથી પૂર્ણ થશે કે પછી લંબાશે. આ અંગે નિર્ણય લેવા અને દેશના દરેક રાજ્યની સ્થિતિ જાણવા વડાપ્રધાન મોદીએ આજે રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે વીડિયો કોન્ફરન્સથી અગત્યની બેઠક પણ કરી છે.

લોકડાઉન લંબાશે કે કેમ તેની જાહેરાત તો વડાપ્રધાન જ કરી શકશે. પરંતુ હાલ ગુજરાતની સ્થિતિ 15 એપ્રિલથી શું હશે તેના વિશે કેટલીક વિગતો જાણવા મળી છે. આ વિગતો અનુસાર રાજ્યમાં 15 એપ્રિલથી ઝોન લાગુ થશે. આ ઝોનને ત્રણ ભાગમાં વહેચવામાં આવશે જે દરેક શહેર માટે અલગ અલગ હશે. જે શહેરના જે વિસ્તારમાં કોરોનાનો વ્યાપ વધારે હશે તેને ઓળખી અહીં ઝોન લાગુ કરવામાં આવશે.

આ ઝોનમાં ગ્રીન, યલ્લો અને રેડનો સમાવેશ થાય છે. ગ્રીન ઝોન એટલે એવા જિલ્લા કે જ્યારે કોરોનાનો એક પણ કેસ નથી. યલ્લો ઝોન એ જગ્યાઓ જ્યાં કેસ છે પરંતુ સ્થિતિ નિયંત્રણમાં છે અને રેડ ઝોન એટલે કે જ્યાં કોરોનાનો ગ્રાફ સતત વધી રહ્યો છે.

આવી સ્થિતિમાં રેડ ઝોનમાં જે વિસ્તાર હશે ત્યાં લોકડાઉન જેવી જ કડકાઈ અમલમાં હશે અને લોકોની અવરજવર બંધ જ રહેશે. જ્યારે યેલ્લો ઝોનમાં નિયત કરેલી વ્યવસ્થાઓ શરુ કરવાની મંજૂરી આપવામાં આવી શકે છે.

જો કે હાલ તો આ અંગે પણ કોઈ સત્તાવાર ઘોષણા કરવામાં આવી નથી. શક્ય છે કે 14 એપ્રિલએ લોકડાઉન પૂર્ણ થાય તે પહેલા આ અંગે સત્તાવાર જાહેરાત થાય. જો કે હાલ તો રાજ્યના લોકો માટે રાહતના સમાચાર એ પણ છે કે રાજ્યમાં કોરોનાના કેસની સ્થિતિ નિયંત્રણમાં છે.