ધોરણ 10ના વિદ્યાર્થીઓના પરિણામ જાહેર થવાની તારીખ આવી સામે

રાજ્ય સરકાર દ્વારા ધોરણ 10ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવાની જાહેરાત કર્યા બાદ હવે વિદ્યાર્થીઓ કાગડોળે રાહ જોઈ રહ્યા છે પરીણામ જાહેર થવાની. તેવામાં સામે આવ્યું છે કે આગામી 24 જૂનના રોજ ધોરણ 10ના બોર્ડના વિદ્યાર્થીઓનું પરિણામ જાહેર થઈ શકે છે. જો કે આ અંગે સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. પરંતુ બોર્ડ અને શાળાઓની તૈયારીઓનો ધમધમાટ શરુ થઈ ચુક્યો છે અને તેના કારણે ચર્ચાઓ છે કે 24મી જૂને બોર્ડના વિદ્યાર્થીઓનું પરીણામ જાહેર કરી દેવામાં આવશે.

image source

ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે જે પરીણામ તૈયાર કરવામાં આવ્યું છે તેમાં ધોરણ 9ની સામાયિક કસોટી અને ધોરણ 10ની એકમ કસોટીના ગુણને મહત્વ આપવામાં આવ્યું છે. આ રીતે તમામ વિદ્યાર્થીઓ પરીણામ તૈયાર કરવામાં આવ્યું છે. જાણવા મળ્યાનુસાર આ પરીણામમાં 80 માર્કનું મૂલ્યાંકન ધોરણ 9 અને ધોરણ 10માંથી લેવામાં આવશે જ્યારે 20 ગુણ શાળાના મૂલ્યાંકનના ઉમેરવામાં આવશે. જેમાં પણ પ્રથમ અને બીજી કસોટીના 40 ટકા ગુણ રૂપાંતરિત કરવામાં આવશે. આમ 100 ગુણમાંથી વિદ્યાર્થીઓનું પરીણામ તૈયાર થનાર છે.

image source

જાણવા મળ્યાનુસાર એમ પણ મળ્યું છે કે જે વિદ્યાર્થીઓને 80માંથી 26 અને શાળાના 20 ગુણમાંથી 7 માર્ક પણ નહીં મળે તેને પણ પાસ કરવામાં આવશે પરંતુ તેમની માર્કશીટમાં ક્વોલિફાઈડ ફોર સેકન્ડરી સ્કૂલ સર્ટિફિકેટ એમ લખાશે. આ રીતે શિક્ષણ વિભાગે ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે માર્ક આપવાની પદ્ધતિ જાહેર કરી દીધી છે અને હવે આ પદ્ધતિ અનુસાર શાળાઓએ માર્કની ગણતરી શરુ કરી દીધી છે. આ રીતે તૈયાર કરેલા માર્ક શાળાઓ દ્વારા શિક્ષણ બોર્ડની વેબસાઈટ પર આજે અપલોડ કરી દેવામાં આવશે. ત્યારબાદ બોર્ડના વિદ્યાર્થીઓનું પરીણામ સત્તાવાર વેબસાઈટ પર મુકવામાં આવશે.

image source

શાળાઓ બાળકોના માર્ક સાથે વિદ્યાર્થીઓના નામ અને એપ્લિકેશન નંબર ભરશે. ઓનલાઈન માર્ક માટે સ્કૂલનો ઈન્ડેક્સ નંબર અને રજીસ્ટર્ડ મોબાઈલ નંબરનો ઉપયોગ કરી લોગઈન કરી શકાશે. જણાવી દઈએ કે શાળાઓએ બોર્ડે જણાવેલી પદ્ધતિ અનુસાર વિદ્યાર્થીઓનું પરીણામ તૈયાર કરવાની શરુઆત 6 જૂનથી કરી દીધી હતી. ત્યારબાદ બોર્ડના આદેશ અનુસાર ગત 8 જૂનથી આજે એટલેકે 17 જૂન સુધીમાં આ માર્ક બોર્ડની વેબસાઈટ પર અપલોડ કરવાના છે.

image source

આ પ્રક્રિયા આજે પૂર્ણ થશે ત્યારબાદ બોર્ડ દ્વારા વિદ્યાર્થીઓના પરિણામ 24 જૂને જાહેર કરવામાં આવી શકે છે. જ્યારે બોર્ડના વિદ્યાર્થીઓને તેમની માર્કશીટ જુલાઈ માસના બીજા સપ્તાહમાં મળશે તેવી સંભાવના છે.