કોરોના ટુંક સમયમાં બની જશે સામાન્ય ફ્લુ જેવી બીમારી, નબળી રોગપ્રતિકારક શક્તિ હોય તો રહેવું પડશે સતર્ક

એપ્રિલમાં દેશમાં કોરોના વાયરસની બીજી લહેર ત્રાટકી હતી અને તે સમયે નવા કેસ રેકોર્ડ બ્રેક સંખ્યામાં નોંધાયા હતા. હવે સ્થિતિ દેશમાં સુધરી રહી છે અને કોરોનાના કેસ દેશમાં સતત ઘટી રહ્યા છે. બીજી લહેર બાદ સ્વાસ્થ્ય નિષ્ણાંતોએ ત્રીજી લહેર ઓક્ટોબરમાં ત્રાટકી શકે છે તેવી આગાહી પણ કરી હતી જો કે હવે એઈમ્સના ડાયરેક્ટર ડોક્ટર રણદીપ ગુલેરિયાએ એક મહત્વનું નિવેદન આપ્યું છે.

image source

એઈમ્સના ડાયરેક્ટર ડોક્ટર રણદીપ ગુલેરિયાના જણાવ્યા મુજબ કોરોના વાયરસ હવે મહામારી રોગ રહ્યો નથી. કોરોના વાયરસ ટુંક સમયમાં સામાન્ય ફ્લૂ એટલે કે સાધારણ ઉધરસ, શરદી, તાવ જેવો થઈ જશે કારણ કે લોકોમાં હવે આ વાયરસ વિરુદ્ધ લડવાની ક્ષમતા તૈયાર થઈ ગઈ છે. જો કે આ તકે તેમણે એમ પણ કહ્યું હતું કે કોરોનાને લાઈટલી લેવાની જરૂર નથી કારણ કે બીમાર અને નબળી ઈમ્યુનિટીવાળા લોકો માટે આ વાયરસ હજુ જીવનું જોખમ ઊભું કરી શકે છે.

image source

ડો. ગુલેરિયાએ વધુમાં કહ્યું હતું કે રસીકરણ જે રીતે ચાલી રહ્યું છે તેને જોતા ત્રીજી લહેર ત્રાટકે તેવી સ્થિતિ નબળી પડી છે. જો કે આવનારા સમયમાં આવતા તહેવારો દરમિયાન લોકોએ સતર્ક રહેવું જરૂરી છે. કારણ કે જો તહેવારોમાં બેદરકારી રાખવામાં આવે તો કેસમાં ઉછાળો આવી શકે છે.

મહત્વનું છે કે ભારતમાં નોંધાઈ રહેલા કોરોનાના દૈનિક કેસના આંકડા હવે 25 હજારથી 40 હજારની વચ્ચે નોંધાઈ રહ્યા છે. તેમાં પણ જો લોકો હજુ પણ સાવધાન રહે તો આ કેસમાં પણ ધીરે ધીરે ઘટાડો થઈ શકે છે. જો કે તેમણે એમ પણ સ્વીકાર્યું હતું કે કોરોના સંપૂર્ણ રીતે ખતમ તો થશે નહીં. પરંતુ ભારતમાં જેટલી ઝડપથી વેક્સિનેશન થઈ રહ્યું છે તેને જોતા હવે કોરોનાનું મહામારી સ્વરૂપ લેવું કે મોટા પ્રમાણમાં લોકોનું સંક્રમિત થવું તે શક્યતા ઓછી થઈ રહી છે.

image source

લોકોએ રસીના બે ડોઝ લીધા પછી બુસ્ટર ડોઝ લેવાની જરૂર પડશે કે કેમ તે અંગેના પ્રશ્નના જવાબમાં ડોક્ટર ગુલેરિયાએ કહ્યું હતું કે ભારતમાં પ્રાથમિકતા હાલ બુસ્ટર ડોઝની નથી હાલ લોકોને રસીને બે ડોઝ મળી જાય તે ખૂબ જરૂરી છે. ત્યારબાદ બાળકોને રસી આપવામાં આવે અને પછી જો જરૂર જણાય તો બુસ્ટર ડોઝ પર વિચાર કરી શકાય છે.

image source

ડોક્ટર ગુલેરિયાએ આ તકે કહ્યું કે ડિસેમ્બર સુધીમાં દેશમાં બધા જ લોકોને રસી આપવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. હાલની રસીકરણની ગતિ જોઈને જણાય છે કે આ લક્ષ્યાંક સમયસર પૂર્ણ કરી શકાશે.