દારૂ અને ડ્રગ્સથી દૂર રહેનાર જ બની શકશે કોંગ્રેસનો સભ્ય, જાણો નવા નિયમો

દેશની સૌથી જૂની રાજકીય પાર્ટી કોંગ્રેસે હવે પાર્ટીના સભ્યપદ માટે કડક શરતો મૂકી છે. હવે માત્ર તે લોકોને જ પાર્ટીનું પ્રાથમિક સભ્યપદ આપવામાં આવશે, જે દારૂ અને ડ્રગ્સથી દૂર રહેવાની જાહેરાત કરશે.

image source

આ સાથે એક બાંયધરી પણ આપવી પડશે કે તે જાહેર મંચ પર પાર્ટીની નીતિઓ અને કાર્યક્રમોની ક્યારેય ટીકા નહીં કરે. કોંગ્રેસના નવા સદસ્યતા ફોર્મ મુજબ, નવા સભ્યોએ ઘોષણા આપવી પડશે કે તેઓ કોઈ મર્યાદા કરતા વધારે સંપત્તિ રાખશે નહીં અને નીતિઓ અને કાર્યક્રમો ખાતર શારીરિક શ્રમ કે કામ કરવામાં અચકાશે નહીં.

image source

કોંગ્રેસે તેના સભ્યપદ ફોર્મમાં વ્યાપક ફેરફાર કર્યા છે. આમાં પાર્ટીની મુશ્કેલીઓની ઝલક દેખાય છે. ભ્રષ્ટાચાર હોય, ડ્રગ્સ હોય કે પક્ષની જાહેરમાં ટીકા હોય, પાર્ટીએ આ તમામ દુષણોથી દૂર રહેવાની શરત મૂકી છે.

સભ્યપદ અભિયાન 1 નવેમ્બરથી શરૂ થશે

સભ્યપદ અભિયાન શરૂ કરતા પહેલા કોંગ્રેસે તૈયાર કરેલા સભ્યપદ ફોર્મ તેના સભ્યો બનવા ઈચ્છતા લોકો દ્વારા વ્યક્તિગત ઘોષણા માટે 10 મુદ્દાઓની યાદી આપે છે. કોંગ્રેસનું સભ્યપદ અભિયાન 1 નવેમ્બરથી શરૂ થશે અને સંગઠનાત્મક ચૂંટણીઓ આગળ આવતા વર્ષે 31 માર્ચ સુધી ચાલુ રહેશે.

નવા કોંગ્રેસ અધ્યક્ષની ચૂંટણી આવતા વર્ષે 21 ઓગસ્ટથી 20 સપ્ટેમ્બર દરમિયાન યોજાશે, જે પાર્ટીની સર્વોચ્ચ નિર્ણય લેતી સંસ્થા કોંગ્રેસ વર્કિંગ કમિટીએ મંજૂર કરેલા શેડ્યૂલ મુજબ છે. બધા નવા સભ્યોએ એક બાંહેધરી આપવી પડશે કે તેઓ કોઈપણ પ્રકારના સામાજિક ભેદભાવમાં સામેલ નથી અને સમાજમાં તેને દૂર કરવાની દિશામાં કામ કરશે.

image source

સભ્યપદ ફોર્મમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે પક્ષ દેશમાં એક એવું શાસન સ્થાપિત કરવા માંગે છે જ્યાં તકની સમાનતા અને આર્થિક, રાજકીય અને સામાજિક અધિકારો હોય. નવા સભ્યપદ ફોર્મ અનુસાર, પાર્ટીનો ઉદ્દેશ સમાજમાં શાંતિ અને ભાઈચારો લાવવાનો છે.

તો બીજી તરફ કોંગ્રેસના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધીની આગેવાની હેઠળની પાર્ટીની કેન્દ્રીય ચૂંટણી સમિતિએ શનિવારે ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી માટે ઉમેદવારોના નામ પર ચર્ચા કરી હતી અને ઘણી બેઠકો માટે ઉમેદવારોની પસંદગી કરવામાં આવી છે. સૂત્રોએ જણાવ્યું હતું કે ઘણી બેઠકો પર નામો નક્કી કરવામાં આવ્યા છે, જેની જાહેરાત ટૂંક સમયમાં થઈ શકે છે.

image source

પાર્ટીના સૂત્રોએ જણાવ્યું કે કોંગ્રેસના મહાસચિવ અને ઉત્તર પ્રદેશના પ્રભારી પ્રિયંકા ગાંધી વાડ્રા અને પ્રદેશ અધ્યક્ષ અજય કુમાર લલ્લુએ પણ આ વર્ચ્યુઅલ બેઠકમાં ભાગ લીધો હતો. જણાવવામાં આવી રહ્યું છે કે 50 ઉમેદવારોના નામ પર મહોર લાગી છે. પાર્ટી ટૂંક સમયમાં આ ઉમેદવારોના નામની જાહેરાત કરશે. આ માત્ર અન્ય પક્ષો પહેલાં જ નહીં, રાજ્યમાં ચૂંટણીની જાહેરાત પહેલાં પણ કરવામાં આવશે.

image source

ઉત્તરપ્રદેશમાં આગામી વર્ષની શરૂઆતમાં વિધાનસભાની ચૂંટણી યોજાશે. કોંગ્રેસે તાજેતરમાં જાહેરાત કરી છે કે વિધાનસભાની ચૂંટણીમાં પાર્ટી 40 ટકા બેઠકો પર મહિલા ઉમેદવારોને મેદાનમાં ઉતારશે. પ્રિયંકા ગાંધીએ ચૂંટણી પ્રચાર શરૂ કર્યો છે. ઉલ્લેખનીય છે કે લગભગ ત્રણ દાયકાથી ઉત્તર પ્રદેશની સત્તાથી દૂર રહેલી કોંગ્રેસની ખોવાયેલી જમીનને પાછી મેળવવા માટે પ્રિયંકા પ્રયાસો કરી રહી છે. 2017ની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ રાજ્યની 403 સીટોમાંથી માત્ર સાત સીટો જીતી શકી હતી, જ્યારે 2019ની લોકસભા ચૂંટણીમાં માત્ર કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી રાયબરેલીમાં જીતી શક્યા હતા.