1 ઓક્ટોબર સુધી રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ થવાની આગાહી

આ વખતે ગુજરાતને વરસાદ સાથે વાવાઝોડું ફ્રી માં મળતું હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે રાજ્યમાં ગુલાબ વાવાઝોડાની અસરના કારણે વરસાદી માહોલ જામ્યો છે, તેવામાં હવે અરબ સાગરમાં વધુ એક વાવાઝોડું રચાયું છે જે ગુજરાતને ઘમરોળવા માટે તૈયાર છે. ગુલાબ વાવાઝોડા બાદ ગુજરાત પર શાહીન વાવાઝોડાનું જોખમ તોળાઈ રહ્યું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આ વાવાઝોડાના કારણે દરિયાકાંઠાના વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદ થવાની સંભાવના છે. આ વાવાઝોડાની અસરના પરિણામે રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારમાં પવનની ગતિ 60થી 90 કિલોમીટર જેટલી થઈ શકે છે.

image source

ચિંતાજનક વાત એ છે કે આ વાવાઝોડાની અસર ના ભાગરૂપે 1 ઓક્ટોબર સુધી રાજ્યમાં ભારે પવન અને અતિ ભારે વરસાદ થઇ શકે છે. હવામાનના જાણકારો જણાવે છે કે 1લી ઓક્ટોબર સુધીમાં પવનની ગતિ 150 કિલોમીટર સુધીની થઈ શકે છે. હવામાન વિભાગની ચેતવણી બાદ રાજ્યમાં તંત્રને એલર્ટ કરી દેવામાં આવ્યું છે.

image source

હવામાન વિભાગે આપેલી જાણકારી અનુસાર અરબ સાગરમાં શાહીન નામનું વાવાઝોડું સક્રિય થયું છે જે આવતી કાલે સવાર સુધીમાં ડિપ્રેશનમાં ફેરવાઈ શકે છે જેના કારણે આવતીકાલે દ્વારકા, પોરબંદર, જામનગર અને કચ્છ વિસ્તારમાં ભારે વરસાદ થઇ શકે છે. આ આગાહીના પરિણામે કોસ્ટ ગાર્ડ દ્વારા દરિયામાં ગયેલા માછીમારોને પણ પરત ફરી જવા આદેશ કરવામાં આવ્યો છે. ભારે થી અતિભારે વરસાદની આગાહીના પગલે રાજ્યના ૧૭ જેટલા જિલ્લામાં એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમોને તૈનાત કરી દેવામાં આવી છે. આ ઉપરાંત પોરબંદરના બંદર ખાતે ત્રણ નંબરનું સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે.

image source

મહત્વનું છે કે ગુલાબ વાવાઝોડાની અસરના પરિણામે ગુજરાતમાં રાજકોટ, જામનગર, પોરબંદર સહિતના જિલ્લાઓમાં મંગળવાર રાતથી જ ભારે વરસાદ નોંધાયો હતો. અમદાવાદ શહેર ખાતે પણ સવારથી જ ભારે પવન ફૂંકાવા નું શરૂ થયું હતું અને કેટલાક વિસ્તારોમાં ધોધમાર વરસાદ નોંધાયો હતો.

image source

હવામાન વિભાગે જે જિલ્લાઓ માટે ભારે વરસાદની ચેતવણી આપી છે તેવા 17 જિલ્લાઓમાં એસડીઆરએફ ની ટીમો ને રવાના કરી દેવામાં આવી છે જ્યારે 11 ટીમોને રાજકોટ, જૂનાગઢ, જામનગર અને ખેડા ખાતે મોકલવામાં આવી છે. ભારે વરસાદ સાથે સુરત શહેર અને જિલ્લામાં ખાડીપૂરનું જોખમ પણ વધ્યું છે. જિલ્લામાં થઈ રહેલા ભારે વરસાદના કારણે ખાડીઓના સ્તરમાં સતત વધારો થઈ રહ્યો છે. વરસાદના કારણે તાપી નદી પણ બે કાંઠે વહી રહી છે. તાપી નદીના વધતા સ્તરને ધ્યાનમાં રાખી નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે.