વડોદરા જિલ્લાની હચમચાવી દેતી ઘટના, 7 દિવસનું બાળક માતા પાસેથી જ ગુમ

વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકામાં એક ખળભળાટ મચાવી દેતી ઘટના બની છે. અહીં એક ઘરમાંથી 7 વર્ષના નવજાત બાળકને કોઈ ઉઠાવી ગયાની ઘટના બનતા ભારે હોબાળો મચી ગયો છે. બાળક માત્ર સાત દિવસનું જ છે જેને તેની માતા પાસેથી ઉઠાવી લેવામાં આવ્યું હોવાની પ્રાથમિક જાણકારી મળી રહી છે

image source

સાત દિવસ પહેલા જ પ્રસુતિની પીડા સહન કરી બાળકને જન્મ આપનાર માતા ઘરમાં સુતી હતી ત્યારે તેની પાસે સુવડાવેલા નવજાતને કોઈ ઉઠાવી ગયું હતું. આ મામલે પરિજનોએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. મામલે નવજાતનો હોવાથી પોલીસે તુરંત તપાસ શરુ કરી છે અને ડોગ સ્ક્વોડ, એફએસએલની ટીમની મદદ પણ લેવામાં આવી હતી જેથી નવજાતને તુરંત શોધી તેની માતા સાથે તેનું મિલન કરાવી શકાય.

image source

જાણવા મળતી માહિતી અનુસાર આ ઘટના બની છે વાઘોડિયા તાલુકાના જરોદ પાસે આવેલા લીલોરા ગામમાં. અહીં હાલ એક માતા આકુળ વ્યાકુળ થઈ તેના સંતાન માટે વલોપાત કરી રહી છે. પોલીસમાં જે ફરિયાદ કરવામાં આવી છે તેમાં મળતી વિગત અનુસાર પૂનમભાઈ દેવીપૂજકનાં પત્ની સંગીતાએ ગત 15 ઓક્ટોબરના રોજ સ્વસ્થ બાળકને જન્મ આપ્યો હતો. તેમણે રેફરલ હોસ્પિટલમાં પ્રસુતિ કરાવી હતી અને ત્યાંથી તેમને બીજા દિવસે રજા મળતા તેઓ ગત 16 ઓક્ટોબરના રોજ ઘરે આવ્યાં હતાં. ત્યારબાદ આ ઘટના ગત રાત્રે બની હતી. જાણવા મળતી માહિતી અનુસાર બાળકને પોતાની પાસે સુવડાવી સંગીતા પણ ઊંઘી ગઈ હતી. આ દરમિયાન મોડી રાત્રે તે ઊંઘમાંથી જાગી અને બાળકને જોવા હાથ લંબાવ્યો તો બાળક પથારીમાં હતું નહીં. પહેલા તો બાળકને ન જોતાં તેની રાડ પડી ગઈ ત્યારબાદ તેની રાડથી બધા લોકો જાગી ગયા અને માત્ર 7 દિવસના બાળકની શોધખોળ શરુ કરી.

image source

સંગીતાબેન અને પરીજનો ઘરમાંથી જ બાળક ગુમ થઈ જતા રીતસર ભાંગી પડ્યા હતા. પોલીસના જણાવ્યાનુસાર સંગીતા બાળકના જન્મ પછી પિતાના ઘરે આવી હતી અને રાત્રે તે પોતાના ઘરના આગળના ભાગે ખાટલા પર નવજાત બાળક સાથે સૂતા હતા. જ્યાંથી મોડી રાત્રે બાળક ગુમ થયું છે. બાળકને પાસે સુવડાવી ઊંઘી ગયેલી સંગીતા જ્યારે પડખું ફેરવ્યું તો બાળક ત્યાં ન હતું. ત્યારબાદ બાળકની શોધખોળ પરીજનોએ આસપાસ પણ કરી પરંતુ બાળકનો કોઈ પત્તો મળ્યો નહીં અને અંતે મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો છે. હાલ આ પરીવાર પર આભ તુટી પડ્યું છે કારણ કે તેમના વહાલસોયાને કોઈ ઉઠાવી ગયું છે. બાળકને શોધવા માટે પોલીસે પણ કમર કસી છે. બાળકને કોઈ જાનવર લઈ ગયું છે કે કેમ તે દિશામાં પણ તપાસ કરવામાં આવી રહી છે.