બે વર્ષ બાદ ગરબાની મંજૂરી મળી પણ વરસાદના કારણે ખેલૈયાઓમાં નિરાશાનો માહોલ

નવરાત્રિના પહેલા જ દિવસે અમદાવાદમાં વરસાદનું આગમન થયું છે. શહેરના જમાલપુર, રાયખડ, લાલદરવાજા, ઘાટલોડિયા, નારણપુરા સહિતના અનેક વિસ્તારોમાં કડાકા ભડાકા સાથે વરસાદ વરસી રહ્યો છે. ત્યારે વરસાદના કારણે અમદાવાદના અનેક વિસ્તારમાં નવરાત્રિ માટે તૈયાર કરેલા મંડપ પલળી ગયા છે. તેમજ સોસાયટીના ગ્રાઉન્ડમાં પાણી ભરાઈ જતા ખેલૈયાઓમાં નિરાશાનો માહોલ થયો છે. અમદાવાદના લોકો ખુબ જ ઉત્સાહથી નવરાત્રીની રાહ જોતા હોય છે, પરંતુ વરસાદના આગમનથી તેમનો ખુશીનો માહોલ દુઃખમાં ફેરવાય ગયો છે.

ગરબાની મંજૂરી મળતા જ ખેલૈયાઓ ખુશખુશાલ હતા

image source

ગત વર્ષે પણ કોરોનાને કારણે નવરાત્રીની ઉજવણી કરવામાં નહોતી આવી. ત્યારે આ વર્ષે કોરોનાના કેસ ઘટતા સરકારે માત્ર શેરી ગરબાની મંજૂરી આપી હતી. ગરબાની મંજૂરી મળતા જ ખેલૈયાઓ ગરબાની પ્રેક્ટિસમાં લાગી ગયા હતા. તેમજ બજારોમાં પણ ભીડ જામી હતી. પરંતુ અમદાવાદમાં વરસાદી માહોલના કારણે ખેલૈયાઓ નિરાશ થયા છે. શહેરના અનેક વિસ્તારો તેમજ સોસાયટીઓમાં વરસાદી પાણી ભરાઈ જતા નવરાત્રિના પહેલા નોરતે જ ગરબાનું આયોજન અટકી શકે છે.

ગઈકાલે વીજળી પડતા 1 વિદ્યાર્થિનીનું મોત થયું હતું

ગાંધીનગરમાં પણ વરસાદ વરસ્યો હતો. અડાલજમાં માણેકબા કન્યા હાઇસ્કૂલના દરવાજે બે વિદ્યાર્થીની પર વીજળી પડતા એક વિદ્યાર્થીનીનું મૃત્યુ થયું છે અને બીજી વિદ્યાર્થીનીની હાલત અત્યંત ગંભીર છે. આ બંને છોકરીઓ સ્કૂલના દરવાજે રિક્ષાની રાહ જોઈ રહી હતી જે દરમિયાન તેમના પર વીજળી પડી હતી.

ગુજરાતમાં સીઝનનો 95 ટકા વરસાદ પડ્યો

image source

નોંધનીય છે કે, ગુજરાતમાં ચોમાસાની સિઝનનો કુલ 95 ટકા વરસાદ અત્યાર સુધીમાં નોંધાયો છે. સ્ટેટ ઇમરજન્સી ઑપરેશન સેન્ટરના જણાવ્યા પ્રમાણે સૌથી વધુ વરસાદ સપ્ટેમ્બર મહિનામાં થયો છે. આંકડાઓ અનુસાર રાજ્યમાં અત્યાર સુધી 798.7 મીમી (31 ઇંચ) વરસાદ નોંધાયો છે. જેમાંથી 426.21 મીમી (16 ઇંચ) માત્ર સપ્ટેમ્બરમાં નોંધાયો છે. સપ્ટેમ્બરમાં છેલ્લા 10 વર્ષનો સૌથી વધુ વરસાદ પડ્યો છે.

સૌરાષ્ટ્રમાં સૌથી વધુ વરસાદ

image source

સ્ટેસ ઇમરજન્સી ઑપરેશન સેન્ટરના જણાવ્યા પ્રમાણે, આ વર્ષે સૌરાષ્ટ્રમાં સૌથી વધુ વરસાદ પડ્યો છે. જેમાં દેવભૂમિ દ્વારકા, જામનગર અને રાજકોટ જિલ્લામાં 130 ટકા કરતા વધુ વરસાદ નોંધાયો છે. જ્યારે કચ્છમાં 111.7 ટકા તથા ઉત્તર ગુજરાતમાં 512.96 મીમી સાથે કુલ 71.59 ટકા વરસાદ નોંધાયો છે. મધ્ય ગુજરાતમાં સિઝનનો કુલ 83.65 ટકા તથા દક્ષિણ ગુજરાતમાં 93.05 ટકા વરસાદ પડ્યો છે. રાજ્યના અરવલ્લી જિલ્લામાં સૌથી ઓછો 62.58 ટકા વરસાદ પડ્યો છે જ્યારે ડાંગમાં 67.86 ટકા વરસાદ નોંધાયો છે.