જાણો આર્થર રોડ જેલમાં કસાબનું ભૂત કોણે જોયું અને આ પાછળની હકીકત શું છે

જ્યારે પણ મુંબઈમાં કોઈ સેલિબ્રિટી કાયદાની ચુંગાલમાં આવે અને તેને જ્યુડિશિયલ કસ્ટડીમાં રાખવાના થાય ત્યારે મુંબઈની આર્થર રોડ જેલ અચૂક ચર્ચામાં આવે છે. આ વખતે તે શાહરુખ ખાનના દીકરા આર્યન ખાનના મુદ્દે ચર્ચામાં આવી છે. સૌ જાણે છે તેમ શાહરુખનો દીકરો આર્યન 2 ઓક્ટોબરના રોજ NCB, એટલે કે નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોના હાથે એક લક્ઝરી ક્રૂઝમાં ડ્રગ્સ લેવાના આરોપસર અન્ય આરોપીઓ સાથે પકડાયો હતો. કોર્ટે જામીન આપવાનો ઇનકાર કરતાં તે છેલ્લા એક અઠવાડિયા કરતાં પણ વધુ સમયથી મુંબઈની આર્થર રોડ જેલમાં જામીનની રાહ જોઈ રહ્યો છે.

‘આર્થર રોડ જેલમાં કોઈ માણસ જીવતો રહી શકે એવી સ્થિતિ જ નથી’

image source

ભારતમાં ફાઇનાન્શિયલ ફ્રોડ કરીને બ્રિટન ભાગી ગયેલા અપરાધીઓ વિજય માલ્યા અને નીરવ મોદીના પ્રત્યાર્પણ માટે ભારતે બ્રિટનની કોર્ટને આર્થર રોડ જેલમાં માનવીય સ્થિતિ છે એવા વીડિયો પુરાવા સુધ્ધાં આપવા પડ્યા હતા. બ્રિટિશ કોર્ટમાં નીરવ મોદીના વકીલે કહેલું કે આર્થર રોડ જેલ તો ‘ઓલ્ડ ફેશન્ડ સ્વેટ બોક્સ’ છે. બ્રિટનની વેસ્ટમિન્સ્ટર મેજિસ્ટ્રેટ્સ કોર્ટ સમક્ષ તેના વકીલની દલીલ હતી કે આર્થર રોડ જેલમાં કોઈ માણસ જીવતો રહી શકે તેવી સ્થિતિ જ નથી.

આર્થર રોડ જેલની પથ્થરની દીવાલોમાં લોઢું જડવામાં આવ્યું છે, જેથી ગરમીમાં લોકોની હાલત ભઠ્ઠી જેવી થઈ જાય છે.

માલ્યાના વકીલે તો કહેલું કે જ્યાં તેને રાખવાની વાત ચાલે છે એ બેરેક નંબર 12માં સૂર્યપ્રકાશ પણ નથી આવતો, જે બેઝિક હ્યુમનરાઇટ્સનો ભંગ છે. ત્યારે ભારત સરકારે એ બેરેકનું વીડિયો શૂટિંગ કરીને એમાં સૂર્યપ્રકાશ, વેન્ટિલેશન આવે છે, તેની અંદર વેસ્ટર્ન સ્ટાઇલનું સંડાસ છે અને એક પ્લાઝમા ટીવી સેટ છે એની ખાતરી આપવી પડેલી.

અંગ્રેજોએ બનાવેલી આર્થર રોડ જેલ

ભારત પર શાસન કરતી વખતે અંગ્રેજોએ ઇ.સ. 1925-26ના સમયગાળામાં એ વખતના બોમ્બે પ્રેસિડેન્સીમાં બોમ્બે કોમન પ્રિઝન અને ભાયખલા ખાતે આવેલી હાઉસ ઓફ કરેક્શન એમ બે જેલ બનાવેલી. વધુ પડતા કેદીઓ ભરવા માટે અને અત્યંત અમાનવીય સ્થિતિને કારણે આર્થર રોડ જેલ પહેલેથી જ બદનામ છે. વણવપરાતી ઇમારતોને જોડીને આ જેલનું નિર્માણ કરવામાં આવેલું એવો ‘ઇન્ડિયન જેલ્સ કમિટી’ના આઝાદી પૂર્વેના દસ્તાવેજોમાં ઉલ્લેખ છે.

જેલ બની ત્યારે એ મુંબઈની બહાર હતી, પરંતુ હવે તે ગીચ મુંબઈની વચ્ચોવચ્ચ આવી ગઈ છે. ઇવન મોનોરેલનો એલિવેટેડ ટ્રેક આ જેલની પાસેથી પસાર થાય છે, જેથી ટ્રેનમાં બેઠેલા પ્રવાસીઓને જેલની અંદરનો વ્યૂ ચોખ્ખો દેખાય છે. છેલ્લા ઘણા સમયથી મુંબઈના માનખુર્દમાં એક નવી જેલ બનાવવાની પ્રપોઝલ મુકાઈ છે, જે હજી પેન્ડિંગ છે.

800ની ક્ષમતા, 3 હજારથી વધુ કેદીઓ

જેલ અધિકારીઓએ મીડિયાને આપેલી છૂટક માહિતીઓ પ્રમાણે, છ એકરના વિસ્તારમાં ફેલાયેલી આર્થર રોડ જેલ સ્વાભાવિક રીતે જ આર્થર રોડ પર આવેલી છે. ‘સર જ્યોર્જ આર્થર’ ઈ.સ. 1842-46 દરમિયાનના બોમ્બેના ગવર્નર હતા. સિત્તેરના દાયકામાં એ રોડનું નામ બદલીને પ્રસિદ્ધ મહારાષ્ટ્રિયન શિક્ષણવિદ્ અને સમાજસેવક એવા સાને ગુરુજી (પંડિત સદાશિવ સાને)ના નામ પરથી ‘સાને ગુરુજી માર્ગ’ કરી દેવાયું.

જ્યારે આ જેલને ઈ.સ. 1972માં ‘મુંબઈ સેન્ટ્રલ જેલ’ એટલે કે ‘મુંબઈ મધ્યવર્તી કારાગૃહ’ નામ આપી દેવાયું, પરંતુ લોકબોલીમાં, પોલીસબેડામાં, મીડિયામાં અને ઇવન કોર્ટનાં કમ્યુનિકેશનમાં પણ આ જેલનું નામ ‘આર્થર રોડ જેલ’ જ રહ્યું છે.

આગળ કહ્યું એમ છ એકરમાં ફેલાયેલી આ જેલમાં 20 બેરેક છે, જેમાં અલગ અલગ સેલ એટલે કે કોટડીઓ આવેલી છે. જેલમાં કેદીઓ રાખવાની ક્ષમતા 804ની છે, પરંતુ અત્યારે એમાં 3 હજારથી પણ વધુ કેદીઓને ઘેટાં-બકરાંની જેમ પૂરવામાં આવ્યા છે. કેદીઓની આ ગીચતાને ધ્યાનમાં લેતાં આ જેલ દેશની સૌથી વધુ ઊભરાતી જેલોમાં સમાવેશ થાય છે. સરેરાશ દોઢસો હથિયારબંધ પોલીસકર્મીઓ આ જેલની સુરક્ષા કરે છે.

સંજય દત્તવાળી ‘અંડા સેલ’

આર્થર રોડ જેલમાંથી બહાર આવી રહેલા ‘સંજુબાબા.’
image source

આર્થર રોડ જેલની અંદર હાઇ સિક્યોરિટી બેરેક્સ પણ આવેલી છે, જેને તેના ઇંડા જેવા આકારને કારણે ‘અંડા સેલ’ નામ આપવામાં આવ્યું છે. આ અંડા સેલમાં અત્યાર સુધીમાં મુસ્તફા દોસા, અબુ સાલેમ, અરુણ ગવળી અને સંજય દત્ત જેવા કેદીઓને પૂરવામાં આવેલા. 1993ના મુંબઈ બ્લાસ્ટના કેસમાં 130થી વધુ કેદીઓ સામે કેસ ચાલી રહ્યા હતા અને તે બધા જ આ જેલમાં પુરાયેલા, આથી સિક્યોરિટીને ધ્યાનમાં લઇને ઑથોરિટીએ આ જેલની અંદર જ કોર્ટની વ્યવસ્થા ઊભી કરી, જે કસાબ સુધી પણ ચાલુ જ રહી.

આર્થર રોડ જેલના હાઈપ્રોફાઇલ કેદીઓ

કસાબ, અબુ સાલેમ, અરુણ ગવળી, મુસ્તફા દોસા, સંજય દત્ત જેવા કેદીઓ ઉપરાંત આર્થર રોડ જેલમાં શીના બોરા હત્યાકેસમાં (ભૂતપૂર્વ) પત્ની ઇન્દ્રાણી મુખર્જી સાથે પકડાયેલા પીટર મુખર્જીને પણ આ જેલમાં રહેવું પડેલું. મહારાષ્ટ્રના NCPના નેતા છગન ભુજબળ અને તેના ભત્રીજા સમીરને પણ આ જ જેલમાં રાખવામાં આવ્યા હતા. બંને ખાવાનું પણ શૅર કરતા. પંજાબ નેશનલ બેંકના કૌભાંડના આરોપી વિપુલ અંબાણી, PMC (પંજાબ એન્ડ મહારાષ્ટ્ર કો-ઓપરેટિવ) બેંકના ફ્રોડ કેસમાં HDILના પ્રમોટરો રાકેશ અને સારંગ વાધવાન પણ આ જેલની હવા ખાઈ ચૂક્યા છે. હવે તેમાં શાહરુખ ખાનના દીકરા આર્યન ખાનનો પણ ઉમેરો થયો છે.

અજમલ કસાબ-આર્થર રોડ જેલનો સૌથી કુખ્યાત કેદી

26 નવેમ્બર, 2008માં મુંબઈમાં થયેલા આતંકવાદી હુમલાના એકમાત્ર જીવિત પકડાયેલા લશ્કર-એ-તૈયબાના પાકિસ્તાની આતંકવાદી અજમલ આમિર કસાબને રાખવા માટે 2009માં અહીં એક અતિશય હાઈસિક્યોરિટી સેલ ઊભી કરવામાં આવી હતી. તેને દરેક તારીખ વખતે કોર્ટે લઈ જવો જોખમી હતો, એટલે તેની કોટડી અને જેલની અંદર જ આવેલી જૂની TADA કોર્ટની ઇમારતની વચ્ચે 20 ફીટની બોમ્બપ્રૂફ ટનલ પણ બનાવવામાં આવેલી. જ્યાં સુધી કસાબ આર્થર રોડ જેલમાં રહ્યો ત્યાં સુધી એ વિસ્તારમાં આવતા-જતા લોકોને સ્પેશિયલ પાસ પણ આપવામાં આવેલા.

શું આર્થર રોડ જેલમાં કસાબનું ભૂત થાય છે ?

કસાબ માટે આર્થર રોડ જેલમાં સ્પેશિયલ કોર્ટ અને તેની કોટડી વચ્ચે 20 ફીટ લાંબી બોમ્બપ્રૂફ ટનલ બનાવાયેલી.
image source

કસાબનો કેસ ત્રણ વર્ષ ચાલ્યો અને 21 ડિસેમ્બર, 2012ના રોજ તેને પુણેની યરવડા જેલમાં લઈ જઈને ફાંસી આપી દેવાઈ.

કસાબની ફાંસી પછી ખાલી પડેલી એ હાઈસિક્યોરિટી કોટડીમાં આ જ આતંકી હુમલામાં પકડાયેલા ઝબીઉદ્દીન અન્સારી ઉર્ફ અબુ જુંડાલને રાખવામાં આવેલો. અન્સારીએ કોર્ટને વિનંતી કરી હતી કે એને આ એકાંતવાસવાળી કોટડીમાં ન રાખવામાં આવે, કેમ કે ત્યાં તેને કસાબનું ભૂત દેખાય છે!

જેવો જેનો દબદબો, તેવી જેલમાં સગવડ

દેશની અન્ય જેલોની જેમ આર્થર રોડ જેલમાં પણ પારાવાર કરપ્શન, ગેંગવોર, ગેરકાયદે ઊભી કરવામાં આવેલી સગવડો વગેરેના આક્ષેપો થતા રહ્યા છે. કેટલાય ગેંગસ્ટર્સ લાખો રૂપિયા ચૂકવીને અંદર મોબાઇલ ફોનથી લઇને વૈભવી લાઇફસ્ટાઇલ જીવતા હોવાની વાતો જેલની દીવાલો કૂદીને બહાર આવતી રહે છે.

image soource

1993ના મુંબઈ બ્લાસ્ટના આરોપી અબુ સાલેમ એ જ ગુનામાં પકડાયેલા મુસ્તફા દોસાની ગેંગે 2010માં હુમલો કરેલો. એક ચમચીને ઘસીને તેનું અણીદાર ચપ્પુ બનાવીને સાલેમના ચહેરા પર વાર કરાયેલો. એ ઘટના પછી બંનેને અલગ અલગ જેલમાં શિફ્ટ કરવામાં આવેલા.

એ પહેલાં 2006માં દાઉદ ઇબ્રાહિમ અને છોટા રાજન ગેંગની અથડામણમાં એક કેદીનું મોત પણ થયેલું.

જેલની ‘લાઇફસ્ટાઇલ’

મળતી માહિતી પ્રમાણે હાઇપ્રોફાઇલ કેદીઓને સલામતીના કારણોસર રીઢા ગુનેગારોની સાથે રાખવાને બદલે અન્ય હાઈસિક્યોરિટી બેરેકમાં રાખવામાં આવે છે, એટલે શાહરુખનો દીકરો કોઈ ગેંગસ્ટર સાથે રાત વિતાવતો હશે એવું માનવાને કોઈ કારણ નથી.

જેલની કોટડીઓ સૂર્યોદયથી સૂર્યાસ્ત વચ્ચે જ ખુલ્લી રાખી શકાય છે. એ પ્રમાણે સવારે છ વાગ્યે કેદીઓએ ઊઠી જવું પડે છે. ત્યાર બાદ તેમને ચા-નાસ્તો અપાય છે. ડિનર સાંજે છ વાગ્યાની આસપાસ અપાઈ જાય છે. રાત્રે 8-30 વાગ્યે જેલની લાઇટો બંધ થઈ જાય છે. નાસ્તામાં પૌંઆ, ઉપમા, બ્રેડ અપાય છે. જ્યારે બપોર અને રાત્રીના ભોજનમાં 750 ગ્રામ ભોજન અપાય છે, જેમાં ત્રણેક રોટલી, શાક, દાળ, ભાતનો સમાવેશ થાય છે, પરંતુ એની ક્વોલિટી કેવી હશે એની કલ્પના કરી શકાય તેમ છે.

તહેવારોનું મેનુ

દિવાળીમાં કેદીઓને લાડુ, ચેવડો, ચકરી, ઘુઘરા વગેરે અપાય છે. દશેરામાં શ્રીખંડ અને નોન-વેજ વાનગીઓ પીરસાય છે. હોળીમાં પણ નોન-વેજ ફૂડ પીરસાય છે. ઇદમાં શીર કુરમા, નોનવેજ ફૂડ, રમઝાન મહિનામાં સીઝનલ ફ્રૂટ્સ આપવામાં આવે છે. ગુરુનાનકજયંતી અને વૈશાખીનો પ્રસાદ પણ કેદીઓને અપાય છે. ક્રિસ્મસની કેક પણ કેદીઓને ખવડાવવામાં આવે છે. જ્યારે ઇસ્ટર સન્ડેમાં પણ કેદીઓને નોન-વેજિટેરિયન વાનગીઓ પૂરી પાડવામાં આવે છે.

image source

દરેક કેદીને મહિને મેક્સિમમ 4,500 રૂપિયા બહારથી મગાવવાની છૂટ હોય છે. આ રકમના બદલે મળતા કુપનમાંથી કેદીઓ જેલ સ્ટોરમાંથી પોતાને ખાવાની વસ્તુઓ ખરીદી શકે છે. આ શોપમાં મળતી વસ્તુઓમાં સાબુ, ટૂથપેસ્ટ, ફળો, કેક, બિસ્કિટ, ડ્રાયફ્રૂટ, પેન-પેપર, પોસ્ટકાર્ડ, ઇનલેન્ડ લેટર વગેરેનો સમાવેશ થાય છે. સ્વાભાવિક રીતે જ આ કૂપન્સ જેલની સૌથી મોંઘેરી જણસ ગણાય છે. જો કોઈ કેદીને વધુ પૈસા, ઘરનું ખાવાનું, પંખો, ટીવી, કસરતનાં સાધનો વગેરે જોઇતું હોય તો જેલના સુપરિન્ટેન્ડેન્ટની મંજૂરી લેવી પડે છે.

ગયા વર્ષે કોવિડ-19 પછી આર્થર રોડ જેલમાં 180થી વધુ કેદીઓ કોરોના પોઝિટિવ થયાના સમાચારે ચકચાર મચાવી હતી. ત્યાર પછી કેદીઓને પૈસા મગાવવાનું ઓનલાઇન કરાયું અને પરિવારજનોને વીડિયો-કૉલથી મળવાની છૂટ અપાઈ હતી. સત્તાવાર આંકડા પ્રમાણે, આર્થર રોડ જેલમાં જેલ ઓથોરિટીના કંટ્રોલના 11 સ્માર્ટફોન છે.