અમદાવાદમાં 11 જાણીતી હોટલમાં પાણીના ભાવને લઈને થઈ કાર્યવાહી, જાણો કઈ હોટલે કેટલો ભર્યો દંડ

આપણે કોઈ સામાન્ય રેસ્ટોરન્ટમાં જમીએ અને ફાઈવ કે ફોર સ્ટાર હોટલમાં જમીએ ત્યારે બીલમાં મોટો તફાવત આવે છે. આવું થવું સ્વાભાવિક હોય છે કે બંને જગ્યાએ પીરવામાં આવતી વસ્તુઓ અલગ અલગ હોય છે અને તેના સ્વાદ, તેમાં ઉપયોગમાં લેવાયેલી વસ્તુઓમાં પણ ઘણો ફરક હોય છે. તેથી બંને જગ્યાના ભોજનના બીલમાં ફરક હોય તે માની શકાય પરંતુ સ્વાદમાં એક જ સરખું હોય તેવા પાણીની બોટલના ભાવમાં શું બંને જગ્યાએ જમીન આસમાનનો ફરક હોય ?

image source

જે બોટલ તમને બજારમાં 20 રૂપિયાની મળે તે જ બોટલ ફાઈવ સ્ટાર હોટલમાં લેવાથી તેના ભાવ 100 રૂપિયા કે તેનાથી વધુ ચુકવવા પડે તો ? આ વાત ફાઈવ સ્ટારમાં જમવા જતા વ્યક્તિને પણ ન જ પોસાય કારણ કે કોઈપણ વસ્તુની છાપેલી એમઆરપી કરતાં વધુ રકમ કોઈ વસુલી શકે નહીં. જો કોઈ જગ્યાએ આવું થાય તો તે દંડને પાત્ર બને છે અને તેમણે હજારો રૂપિયાનો દંડ ભરવો પડી શકે છે જેમ અમદાવાદની જાણીતી એવી હોટલ મેરિયોટ, રિજેન્ટા હોટલ, હયાત રિજન્સીને ભરવો પડ્યો છે.

image source

જી હાં અમદાવાદની આ પ્રખ્યાત ફાઈવ અને ફોર સ્ટાર હોટલોને તેમણે પાણી માટે વસુલેલા વધારાના ચાર્જ માટે દંડ ફટકારવામાં આવ્યો હતો.એક સામાજિક કાર્યકરે કરેલી ફરિયાદ બાદ આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. અમદાવાદ શહેરના સામાજિક કાર્યકર રોહિત પટેલે જણાવ્યાનુસાર તેમણે આ પ્રકારે પાણીની બોટલ માટે વધારે ચાર્જ વસુલતી 11 હોટલ સામે ફરિયાદ નોંધાવી હતી. જેમાંથી કેટલીકને દંડ ફટકારવામાં આવ્યો છે જ્યારે કેટલીક મેટરમાં કોર્ટ કેસ ચાલી રહ્યો છે.

image source

આ સમગ્ર કૌભાંડ સામે કેવી રીતે આવ્યું તે અંગે જણાવતા રોહિત પટેલે ઉમેર્યું હતું કે તે વર્ષ 2017માં તેના પરિવાર સાથે આવી એક હોટલમાં જમવા માટે ગયા હતા. ત્યારે તેમણે મિનરલ વોટરની પાંચ બોટલ મગાવી હતી. જેની એક બોટલની કીંમત 20 રૂપિયાની હતી. આ તેના પર છાપેલી એમઆરપી હતી. પરંતુ જ્યારે બીલ બન્યુ ત્યારે તેમાં એક બોટલના 100 રૂપિયા ગણવામાં આવ્યા. જ્યારે આ વાત તેણે મેનેજરને કરી તો તેણે જવાબ આપ્યો કે આ ફાઈવ સ્ટાર હોટલ છે અહીં તો આટલા જ પૈસા ચુકવવા પડે.

image source

આ ઘટના બાદ તેમણે ગ્રાહકો સાથે થતી આ છેતરપિંડી વિરુદ્ધ એક ઝુંબેશ શરુ કરી અને અલગ અલગ ફાઈવ સ્ટાર અને ફોર સ્ટાર હોટલમાં જમવા ગયા અને જાણ્યું કે ક્યાં ક્યાં આવું થાય છે. આ વિગતો એકત્ર કરી તેણે ગ્રાહક સુરક્ષા તથા તોલમાપ વિભાગમાં ફરિયાદ કરી. જેની કાર્યવાહી આ ફરિયાદ બાદ શરુ થયેલી તપાસમાં સામે આવ્યું કે હોટલોએ આ રીતે વધુ રકમ વસુલી છે જેને લઈ હોટલ મેરિયોટને 12 હજાર, રિજેન્ટા હોટલને 6 હજાર, હયાત રિજન્સીને 24 હજારનો દંડ કરવામાં આવ્યો હતો.