નવા રિપોર્ટમાં થયેલા ખુલાસાથી સ્વાસ્થ્ય નિષ્ણાંતો પણ ચિંતામાં, રસી લઈ ચૂકેલા લોકો પણ થઈ રહ્યા છે સંક્રમિત

દેશમાં કોરોનાની બીજી લહેર શાંત થતા લોકો અને સરકારને રાહત મળી હતી. પરંતુ આ રાહત ફરીથી ચિંતામાં પરિવર્તીત થઈ રહી છે. કારણ કે દેશમાં ફરી એકવાર કોરોનાના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે. સ્વાસ્થ્ય મંત્રાલયે છેલ્લે જાહેર કરેલા આંકડા અનુસાર દેશમાં 24 કલાકમાં 43,654 કેસ નોંધાયા હતા. આ વધારો થવાની સાથે વધુ એક ચિંતાજનક સમાચાર એ સામે આવ્યા છે કે કોરોનાના કેસમાં વધુ એવા લોકો છે જે ડેલ્ટા વેરીયંટનો ભોગ બની રહ્યા છે.

image source

કોરોનાનો ડેલ્ટા વેરિયંટ ભારતમાંથી હવે અન્ય દેશમાં પણ ફેલાવા લાગ્યો છે અને હવે સામે આવ્યું છે કે દુનિયાભારના મોટાભાગના દેશોમાં આ વેરિયંટ ચિંતા વધારી રહ્યો છે. કોરોનાના કેસમાં ભારતમાં બીજી લહેર દરમિયાન જે ભયંકર ઉછાળો જોવા મળ્યો હતો તેમાં કારણ ડેલ્ટા વેરિયંટ હતો. તેવામાં હવે જાણવા એમ પણ મળે છે કે આ વેરિયંટથી એવા લોકો પણ સંક્રમિત થઈ રહ્યા છે જેઓએ રસીના બંને ડોઝ લઈ લીધા છે.

image source

દેશમાં કોરોનાને ડામવા માટે રસીકરણ ઝડપથી ચાલી રહ્યું છે. અન્ય દેશોમાં પણ કોરોના માટે રસીકરણ ઝડપી ગતિથી ચલાવવામાં આવી રહ્યું છે. લોકો પણ કોરોનાની રસી લઈ ચિંતામુક્ત થઈ જાય છે. ખાસ કરીને જેમણે રસીના બે ડોઝ લઈ લીધા છે તેઓ તો રાહત અનુભવે છે કે તેઓ કોરોનાથી સેફ થઈ ગયા છે. પરંતુ ડેલ્ટા વેરિયંટને લઈને જે અપડેટ સામે આવ્યું છે તેમાં જાણવા મળ્યું છે કે જે લોકોએ રસીના 2 ડોઝ લઈ લીધા છે તેમને પણ સંક્રમિત કરી રહ્યો છે ડેલ્ટા વેરિયંટ.

દુનિયાના ઘણા દેશોમાં આ પ્રકારના કેસ નોંધાઈ રહ્યા છે. નિષ્ણાંતોની ચિંતા પણ આ વેરિયંટના કારણે વધી છે. નિષ્ણાંતોના મતે આ વેરિયંટ લોકોને વધારે ગંભીર રીતે બીમાર કરે તેના કરતાં વધારે તે ઝડપથી એક વ્યક્તિથી બીજામાં ફેલાઈ જાય છે. આ વેરિયંટ રસી લઈ ચુકેલા લોકોને પણ ઝડપથી સંક્રમિત કરવાની ક્ષમતા ધરાવે છે.

image source

એક રિપોર્ટ અનુસાર બ્રિટનમાં ડેલ્ટા વેરિયંટવાળા દર્દીઓ જે હોસ્પિટલમાં દાખલ થયા હતા તેમાંથી 58 ટકાથી વધુ દર્દીઓ એવા હતા જેમણે વેકસીન લીધી ન હતી. જ્યારે 22 ટકાથી વધુ દર્દીઓએ વેકસીન લીધી હતી. એટલે કે રસી લઈ ચુકેલા દર્દીઓ પણ કોરોનાથી સંક્રમિત થઈ રહ્યા છે. સિંગાપુરમાં જ્યાં ડેલ્ટા વેરિયંટના કેસ સૌથી સામાન્ય થઈ ગયા છે. અહીં નોંધાયેલા કેસમાંથી 75 ટકા કેસ એવા લોકોના છે જેમણે રસીના બંને ડોઝ લઈ લીધા હતા.

કોરોના સામે સૌથી વધુ અસરકારક ગણાતી રસી એટલે કે ફાઈઝરની રસી લઈ ચુકેલા 41 ટકા લોકો ડેલ્ટાથી સંક્રમિત થયા છે. તેવામાં આ વેરિયંટ એવા લોકો માટે જોખમી થયો છે જેમણે રસી લઈ લીધી છે અને સ્વાસ્થ્ય નિષ્ણાંતો માટે પણ તે પડકાર બન્યો છે. તેથી જો તમે રસી લઈ પણ લીધી છે તો પણ માસ્ક પહેરવું અને સામાજિક અંતર જાળવવું જરૂરી થઈ જાય છે.