…જ્યારે આખા ભારતમાં રામાનંદ સાગરકૃત “રામાયણ” સિરિયલ જોવા માટે લાગી જતો હતો સ્વંયભૂ કર્ફયુ

28મી માર્ચ, 2020, શનિવારથી રાષ્ટ્રીય દૂરદર્શન પર રામાનંદ સાગરકૃત “રામાયણ” ટીવી સિરિઅલ બતાવવામાં આવશે. 25મી જાન્યુઆરી, 1987થી 31મી જુલાઈ-1998 સુધી રાષ્ટ્રીય દૂરદર્શન પર આ શ્રેણીના કુલ 78 હપ્તા રજૂ થયા હતા. વાલ્મિકીકૃત રામાયણ, તુલસીદાસકૃત રામચરિત માનસ અને દક્ષિણ ભારતીય કમ્બ રામાયણના આધારે રામાનંદ સાગરે (1917-2005) પોતે તેનું નિર્માણ-લેખન અને દિગ્દર્શન કર્યું હતું. તેઓ હિન્દી ફિલ્મોના નીવડેલા દિગ્દર્શક, સંવાદ-લેખક અને નિર્માતા હતા. તેમનું પોતાનું “સાગર આર્ટસ ક્રિએશન” નામનું ફિલ્મ હાઉસ હતું.

image source

રામાયણ ટીવી સિરિઅલે ભારતના લોકો પર જબરજસ્ત ભૂરકી છાંટી હતી. તેનું પ્રસારણ 55 દેશોમાં થતું હતું. દરેક હપ્તો આશરે 10 કરોડ લોકો જોતા હતા. કરોડો લોકોએ આ શ્રેણી નિહાળી હતી. સાૈથી વધુ જોવાયેલી ટીવી શ્રેણી માટે “લિમ્કા બુક”માં તેનું નામ પણ નોંધાયું હતું.

* કેવી હતી “રામાયણ” ટીવી સિરિઅલ ?

image source

ભારતમાં સદીઓથી રામાયણ મહાકાવ્ય તરીકે વંચાય છે. લોકોની તેનામાં જબરજસ્ત આસ્થા છે. દેશમાં આશરે 100 વર્ષથી રામલીલા ભજવાય છે. શ્રી રામ ભારતવર્ષના આરાધ્ય દેવ છે. રામાનંદ સાગર નીવડેલા નિર્માતા-લેખક અને દિગ્દર્શક હતા. તેમણે “રામાયણ” ટીવી સિરિઅલ ખૂબ સુંદર અને અસરકારક બનાવી હતી. પહેલાં પ્રસારભારતીએ તેના 52 હપ્તા મંજૂર કર્યા હતા પણ પછી 78 હપ્તા થયા હતા. રામાનંદ સાગર ટીવીના ટચૂકડે પરદે રામાયણને જીવંત કરવામાં સફળ થયા હતા.

image source

રામાયણનાં પાત્રો ઘરે ઘરે જાણીતાં થઈ ગયાં હતાં. બધાનો અભિનય જબરજસ્ત હતો. દિગ્દર્શન અસરકારક હતું. એ વખતનો સમયકાળ જીવંત થયો હતો. જાજરમાન અને ભવ્ય સેટ હતા. પરિધાન ઉપરાંત સ્પેશિયલ ઈફેક્ટે રામાયણ ટીવી સિરિઅલને જીવંત કરી હતી. રવિન્દ્ર જૈનનાં ગીતો અને સંગીત કર્ણપ્રિય હતાં. તેની શુદ્ધ હિંદી ભાષાપણ દર્શકોને ખૂબ જ ગમી હતી. રામાયણ ટીવી સિરિઅલના દરેક વિભાગ મજબૂત હતા એટલે લોકોને આ શ્રેણી ખૂબ ગમી હતી.

* કેવો પ્રભાવ હતો રામાયણ ટીવી સિરિઅલનો ?

image source

દર રવિવારે સવારે 9.30 કલાકે આ શ્રેણી રજૂ થતી ત્યારે લોકો નાહી-ધોઈને ટીવી સેટ સામે બેસી જતા. ગામોમાં જેના ઘરે ટીવી સેટ હોય તેના ઘરે મોટી સંખ્યામાં લોકો સાથે મળીને રામાયણ ટીવી સિરિઅલ જોતા. (અત્યારે કોઈ એવું ના કરતા..) ઈન્ડિયા ટુડેએ નોંધ્યું હતું કે એ વખતે લોકોમાં “રામાયણ ફીવર” હતો. આખો દેશ 45 મિનિટ માટે સૂમસામ થઈ જતો.

image source

લોકો પોતાનાં લાખ કામ પડતાં મૂકીને ટીવી સેટ સામે બેસી જતા. અનેક લોકો તેને જોતાં પહેલાં સ્નાન કરતા અને ટીવીને માળા પહેરાવતા. ટ્રેનો-બસો-ટ્રકો-વાહનો રોકાઈ જતાં. તમિલનાડુ-કેરળ-કર્ણાટક જેવા બિનહિન્દી રાજ્યોમાં પણ તેની મોટી વ્યુઅરશીપ હતી. રામાયણ ટીવી સિરિઅલ રજૂ થવાની હોય ત્યારે જે વિસ્તારમાં વીજળી ના હોય તે વિસ્તારના લોકો વિદ્યુતબોર્ડના મથકોને બાળી નાખવાની ધમકી આપતા.

image source

બીબીસીએ નોંધ્યું હતું કે આખો દેશ સૂમસામ થઈ જતો. એક વખત ભારત સરકારની અરજન્ટ બોલાવાયેલી કેબિનેટની મિટિંગ રામાયણ ટીવી સિરિઅલને કારણે મુલવતી રખાઈ હતી. આ સમયગાળામાં રાજકીય પક્ષોએ રેલીઓ કાઢવાનું બંધ કર્યું હતું. અરે, લગ્નની તારીખોમાં પણ રામાયણ ટીવી સિરિઅલને કારણે ફેરફાર કરાતો હતો.

image source

લખનૌમાં એક હોસ્પિટલના દરદીઓએ ફરિયાદ કરી હતી કે રામાયણ શરૃ થતાં જ ડોકટરો અને નર્સો બધું છોડીને સિરિઅલ જોવા બેસી જાય છે. આવો જાદુ હતો આ રામાયણ ટીવી સિરિઅલનો. જ્યાં જ્યાં સિરિઅલના કલાકારો જતા ત્યાં ત્યાં ખાસ તો રામ- લક્ષ્મણ અને સીતાને પગે લાગતા. બાળકો-જુવાનો અને વૃદ્ધો પણ તેમનો ચરણસ્પર્શ કરવા પડાપડી કરતા. રામાનંદ સાગરના ઘરે આખા દેશમાંથી, અરે છેક હિમાલયથી સાધુઓ મળવા આવતા.

* થોડી વાત કરીએ કલાકારોની…

image source

રામ તરીકે અરુણ ગોવિલ (જન્મઃ 1958), સીતા તરીકે દિપીકા ચીખલિયા (જન્મઃ 1965) અને રાવણની ભૂમિકામાં અરવિંદ ત્રિવેદી (જન્મઃ1938), લક્ષ્મણના રોલમાં સુનિલ લહેરી અને હનુમાનના રોલમાં દારાસિંગે ખૂબ જ જાણીતા થઈ ગયા હતા. અરુણ ગોવિલ રામાનંદ સાગરની અગાઉની ટીવી સિરિઅલ વિક્રમ ઔર વૈતાલમાં વિક્રમ રાજાનો રોલ કરતા હતા. આ જ સિરિઅલમાં દિપીકાજીએ બે-ત્રણ વખત રાણીનો રોલ કરેલો. રામાનંદ સાગર ખૂબ જાણીતા ચહેરાઓ લેવા માગતા નહોતા.

image source

અરુણ ગોવિલનો પ્રસન્ન ચહેરો, સાૈમ્ય મુખરાવિંદ, તેમના ચહેરાના હાવ-ભાવ બધુ એવું દર્શકોને એમ જ લાગતું કે તેઓ ટીવીના પરદે સાક્ષાત શ્રી રામને જોઈ રહ્યા છીએ. તેઓ સીતે.. એમ બોલતા ત્યારે પ્રેમ યોગ્ય રીતે વ્યક્ત થતો. લોકો રામનું સ્મરણ કરતા ત્યારે તેમની સામે અરુણ ગોવિલનો ચહેરો આવી જતો. સીતા તરીકે દિપીકાજીએ એક આદર્શ સ્ત્રીનું અદભુત પાત્ર ભજવ્યું હતું. અરવિંદ ત્રિવેદીએ રાવણના પાત્રને પરદા પર જ નહીં, લોકોના હૃદયમાં ઊભું કર્યું હતું. રામાયણનો અહંકાર, ગુસ્સો, ગર્વ અને તુમાખીને તેમણે જીવંત કરી હતી.

તેમનું અટ્ટહાસ્ય અને અહંકારથી છલકાતો ઉદગાર આજે પણ લોકો યાદ કરે છે. દારાસિંગે હનુમાનને જીવતા કર્યા હતા. સંજય જોગ (ભરત), બાલ ધુરા (દશરથ), જયશ્રી ગડકર (કૌશલ્યા), રજની બાલા (સુમિત્રા), લલિતા પવાર (મંથરા.. બીજો વળી કયો રોલ હોય તેમના માટે…), મૂળરાજ રાજડા (જનક રાજા).. એમ દરેકે પોતપોતાની ભૂમિકા ખૂબ સુંદર રીતે ભજવી હતી. આ અને બીજાં બધાં પાત્રો ઘરે ઘરે જાણીતાં થઈ ગયાં હતાં.

image source

દિપીકા ચિખલિયા, અરવિંદ ત્રિવેદી, મૂળરાજ રાજડા વગેરે ગુજરાતી કળાકારો હતા. અરવિંદ ત્રિવેદી, મૂળરાજ રાજડાએ તો અનેક ગુજરાતી ફિલ્મોમાં કામ કર્યું હતું. દિપીકા ચિખલીયાએ હિંદી ઉપરાંત બીજી ઘણી ભારતીય ફિલ્મોમાં કામ કર્યું હતું. તેમણે નરેશ કનોડિયા સાથે જોડે રહેજો રાજ અને લાજુ લખન નામની ગુજરાતી ફિલ્મોમાં હિરોઈન તરીકે પણ કામ કર્યું હતું. અન્ય કલાકારોએ પણ ગુજરાતી ફિલ્મોમાં કામ કર્યું હતું.

* વાત ટીવી સિરિઅલ મેકિંગની…

image source

મુંબઈથી ચાર કલાકના રસ્તે આવેલા ઉમરગામના વૃંદાવન સ્ટુડિયોમાં આ સિરિઅલનું શુટિંગ થયું હતું. મોટા ભાગે રાત્રે જ શુટિંગ થતું. સોમવારથી શુક્રવાર સતત શુટિંગ થતું અને શુક્રવારે અડિટિંગ માટે ટેપ મુંબઈ મોકલવામાં આવતી. ભવ્ય સેટ બનાવાયા હતા. કળાકારો રામાયણકાળનાં પરિધાનમાં માથે મુગટ પહેરીને ફર્યા કરતા. દરેક કલાકારને તેમના રામાયણના નામથી જ પરસ્પર સંબોધતા. દરરોજ 250-300 લોકો સેટ પર હાજર જ રહેતા. રામાનંદ સાગરના ચાર દીકરાઓ અને તેમના અન્ય પરિવારજનો જુદી જુદી ચાવીરૃપ જવાબદારી સંભા‌‌ળતા હતા. રામાનંદ સાગર આ સિરિઅલ મેકિંગમાં ઓગળી ગયા હતા. રામાયણ તેમનું જ બાળક હતું.

* સિરિઅલ સામેના પ્રારંભિક પડકારો…

image source

પ્રેમ સાગરે પોતાના પિતા રામાનંદ સાગરવિશે “એન એપિક લાઈફ ઓફ રામાનંદ સાગર ફ્રોમ બરસાત ટુ રામાયણ” નામનું પુસ્તક લખ્યું છે. રામાનંદ સાગરના પૌત્ર શિવ સાગરે ત્રણ વર્ષ પોતાના દાદાના જીવન વિશે ગહન સંશોધન કર્યા પછી આ પુસ્તક લખાયું છે.

રામાનંદ સાગરે શૂન્યમાંથી સર્જન કર્યું હતું. તેમણે પટાવાળા તરીકે કામ કર્યું હતું. રોડ પર સાબુ વેચ્યા હતા, પત્રકાર અને મુનિમ તરીકે કામ કર્યું હતું. તેમણે ખૂબ સંઘર્ષ કર્યો હતો.

image source

આ પુસ્તકમાં રામાયણ મેકિંગની અનેક રસપ્રદ બાબતો છે. સ્વિટ્ઝરલેન્ડમાં રામાનંદ સાગર “ચરસ” નામની ફિલ્મનું શુટિંગ કરતા હતા ત્યારે પોતાના ચારેય દીકરાઓ સાથે એક સાંજે એક હોટલમાં બેઠા હતા. ત્યાં હોટલનો એક કર્મચારી લાકડાનું કેબિનેટ મૂકી ગયો. એ પછી તેણે બે શટર ખોલીને તેને ચાલું કર્યું. એ કલર ટીવી હતું. આ વાત લગભગ 1976ની છે. રામાનંદ સાગર રંગીન ટીવીનો નાનકડો પરદો જોતા જ રહ્યા. એ જ વખતે તેમણે દીકરાઓને કહ્યું કે હું આ ટચુકડા પરદા માટે રામાયણ અને ક્રિષ્ના સિરિઅલ બનાવીશ.

દરમિયાન માહિતી અને પ્રસારણ વિભાગના કેન્દ્રિય સચિવ એસ.એસ.ગીલે તેમને પત્ર લખીને સામેથી “રામાયણ” પર ટીવી સિરિઅલ બનાવવાની સામેથી દરખાસ્ત મૂકી. (તેમણે બીજો પત્ર બી.આર.ચોપરાને મહાભારત સિરિઅલ બનાવવા માટે લખ્યો હતો.) જ્યારે રામાનંદ સાગરે ટીવી માટે રામાયણ શ્રેણીનું નિર્માણ કરવાનો નિર્ણય કર્યો ત્યારે ટીવી ખાસ લોકપ્રિય નહોતું. એમાંય રામાનંદ સાગર તો હિન્દી ફિલ્મોનું જાણીતું અને સફળ નામ હતા. મિત્રો અને સાથીદારો તેમના આ નિર્ણયને ફેરવી નાખવા વિનંતી કરતા.

image source

કોઈ કહેતા કે રામાનંદ સાગરનું મગજ ખરાબ થઈ ગયું છે. ઘણા વળી એમ પણ કહેતા કે મુકુટ-મૂછોવાળી શ્રેણી કોઈ નહીં જુએ. રામાયણ શ્રેણીના નિર્માણ માટે મોટા બજેટની જરૃરિયાત હતી. તેમણે પોતાના દીકરા પ્રેમ સાગરને વિશ્વના જુદા જુદા દેશોમાં વસતા ભારતીયો પાસે રામાયણના નિર્માણ માટે આર્થિક સહયોગ મેળવવા મોકલ્યો હતો. તેમને આશા હતી કે ઘણા લોકો રામાયણ માટે પૈસા રોકશે, પણ પ્રેમ સાગર નિરાશ થઈને પરત આવ્યા હતા.

પ્રસારભારતીની સરકારી અમલદારીએ પણ તેમને ઓછો સહયોગ આપ્યો હતો તેમ પુસ્તક કહે છે. તત્કાલીન માહિતી અને પ્રસારણ મંત્રી વી.એન.ગાડગીલને બીક હતી કે રામાયણ શ્રેણીનો લાભ ભારતીય જનતા પક્ષ ઉઠાવશે. એક અહેવાલ એવો છે કે તત્કાલીન વડાપ્રધાન રાજીવ ગાંધીએ કહ્યું હતું કે રામાયણ અને મહાભારત તો મહાકાવ્યો છે. એ ભારતની સાંસ્કૃતિક વિરાસત છે, તેનું પ્રસારણ થવું જ જોઈએ.

image source

એ વખતે હિંદી ફિલ્મો પર ડોન લોકોની પકડ મજબૂત હતી. “કુરબાની” ફિલ્મના ઓવરસીસ રાઈટ્સ માટે દુબઈના માફિયાઓએ જ સમાધાન કરાવ્યું હતું. રામાનંદ સાગર પામી ગયા હતા કે બોલિવુડ પર માફિયાઓનો સંકજો વધી રહ્યો છે એટલે પણ તેમણે ટીવી માટે કામ કરવાનું નક્કી કર્યું હતું.

* સિરિઅલની સર્જક અને કલાકારો પર અસર…

આ ટીવી સિરિઅલે રામાનંદ સાગર અને સાગર આર્ટ ક્રિએશન્સને ખૂબ જ પ્રતિષ્ઠા અપાવી. તેઓ ટીવીના વાલ્મિકી અને તુલસીદાસ ગણાયા. તેમના નામે અનેક સફળ ફિલ્મો બોલતી હોવા છતાં રામાયણના સર્જક તરીકેની તેમની ઓળખ સાૈથી મોટી બની ગઈ. તેમને 2000માં ભારત સરકારે પદ્મશ્રી એવોર્ડથી નવાજ્યા. રામાનંદ સાગરે રામાયણ પછી “લવ-કુશ” નામની (39 હપ્તા) સિરિઅલ દૂરદર્શન માટે જ બનાવી હતી. (જે 30મી જુલાઈ 1988થી સળંગ દૂરદર્શન પર જ રજૂ થઈ હતી.)

image source

આ ટીવી સિરિઅલના કળાકારો તથા ક્રુના અન્ય સભ્યોને રામાયણ ફળી. તેમનું નામ થયું અને ખૂબ કામ પણ મળવા લાગ્યું. અરવિંદ ત્રિવેદી અને દિપીકા ચિખલિયાને તો ભારતીય જનતા પક્ષે લોકસભાની ટિકિટ આપી. 1991માં અરવિંદ ત્રિવેદી સાબરકાંઠા બેઠક પરથી તો દિપીકાજી વડોદરા બેઠક પરથી લોકસભામાં ચૂંટાયાં.

* કેટલીક અન્ય વાતો..

રામાનંદ સાગરે સર્જેલી રામાયણ શ્રેણી દૂરદર્શન ઉપરાંત જુદી જુદી ખાનગી ટીવી શ્રેણીઓ પર પણ સમયાંતરે રજૂ થતી રહી છે. જેમ વિશ્વમાં 3000થી વધુ રામાયણ છે તેમ ડઝનબંધ ટીવી સિરિઅલો પણ બની છે. જોકે તેમાં રામાનંદ સાગરની રામાયણ સર્વોત્તમ ગણાય છે.

– આપની પાસે કોઈ રસપ્રદ માહિતી હોય તો આપ નીચે કોમેન્ટમાં ખાનામં લખી શકો છો…

image source

(આશા છે કે આ લેખ વાંચ્યા પછી આપને રામાયણ સિરિઅલ જોવાની વધુ મજા આવશે. ખાસ તો નવી પેઢીને આ લેખ વાંચવાની ભલામણ કરજો. આપના ઘરના પરિવારજનો-વડીલો સામે આ લેખ મોટેથી વાંચજો જેથી રામાયણ અને 1990ના દાયકા સાથે તેમનું પુનઃ અનુસંધાન જોડાશે અને તેમને રામાયણ જોવાની વધુ મજા આવશે. આપણી નવી પેઢી રામાયણને જુએ અને સમજે એ પણ અતિ જરૃરી છે તેની નોંધ લેશો.)

આલેખનઃ રમેશ તન્ના

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત