તેલંગણાની 40 વર્ષીય માતાએ દિકરાને પરત લાવવા સ્કુટર પર કર્યો ખેડ્યો 1400 કિમીનો પ્રવાસ

કોરોના વાયરસના કારણે દેશભરમાં લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. આ સાથે જ આરોગ્ય વિભાગ, પોલીસ કર્મચારીઓ સતત ખડેપગે રહી લોકોની મદદ કરી રહ્યા છે. તેવામાં એક માતાનું સરાહનીય કાર્ય ચર્ચાનો વિષય બન્યું છે.

આ ઘટના છે તેલંગણાની. અહીંની 40 વર્ષીય સિંગલ મધર તેના ફસાયેલા દિકરાને ઘરે પરત લાવવા પોતાનું સ્કુટર લઈ નીકળી પડી અને 1400 કિમીનો સફર કાપી તે પોતાના દિકરાને સુરક્ષિત ઘરે લાવી છે.

image source

મહારાષ્ટ્ર-તેલંગણા બોર્ડર પર આવેલા શહેર બોધનમાં શાળામાં ટીચર તરીકે ફરજ બજાવતી રઝિયા બેગમ સોમવારએ તેના ગામથી સ્કુટર પર નીકળી પડી હતી. સ્કુટર લઈ તે આંધ્રપ્રદેશ- તમિલનાડુની સરહદે આવેલા નેલ્લોર પહોંચી. કારણ કે અહીં તેનો 17 વર્ષનો દિકરો અભ્યાસ કરતો હતો. લોકડાઉન અને કોરોનાનો વધતો વ્યાપ જોઈ ચિંતીત માતાને દીકરાને પરત લાવવા અન્ય કોઈ વિકલ્પ ન મળતાં તે ખુદ જ 1400 કિલોમીટર સ્કુટર ચલાવી દીકરાને પરત લાવી છે. આ 1400 કિલોમીટરની સફર તેણે 3 દિવસમાં પુરી કરી છે. તે બુધવારએ પોતાના ઘરે પરત ફરી હતી.

રઝિયા બેગમના પરીવારની વાત કરીએ તો તેમને બે બાળકો છે અને તે પોતાની માતા સાથે રહે છે. તેનો પુત્ર હૈદરાબાદમાં ડોક્ટરીનો અભ્યાસ કરે છે. તે પોતાના મિત્રના બીમાર પિતાની મદદ કરવા હૈદરાબાદથી નેલ્લોર ગયો હતો. આ જ સમયે લોકડાઉન જાહેર થતાં તે ત્યાં ફસાઈ ગયો હતો.

લોકડાઉન વચ્ચે પોતાનો દિકરો નેલ્લોરમાં ફસાયો હોય અને તેને ઘરે પરત લાવવા માટે રઝિયા બેગમએ બોધનના એસીપીને જાણ કરી અને તેમણે સંવેદના દર્શાવી રઝિયા બેગમને પાસ પૂરો પાડ્યો. ત્યારબાદ રઝિયા બેગમએ ખાણી-પીણીની થોડી વસ્તુઓ સાથે રાખી નેલ્લોર જવાની યાત્રા શરુ કરી. આ અડગ મનની માતાએ 3 દિવસમાં જ 1400 કિમીનો પ્રવાસ ખેડી દિકરાને પોતાની સાથે ઘરે લાવવાનું મિશન પુર્ણ કર્યું.