સુરતમાં બર્થડે પાર્ટીમાં મોડી રાત સુધી લગાવ્યા બાર ડાન્સરે ઠુમકા, રાત્રી કરફ્યુના ઉડયા ચીંથરા

સુરતમાં હાલમાં જ એ એવી ઘટના સામે આવી છે જેને રાત્રિ કર્ફ્યૂ અને પોલીસ કમિશનરના જાહેરનામાના ચીંથરા ઉડાવી દીધા છે. સુરતના ભાગાતળાવ ખાતે જાહેરમાં બર્થ ડે પાર્ટી ઉજવવામાં આવી હતી એટલું જ નહીં અહીં બાર ડાન્સર બોલાવી અમુક ટપોરી તત્ત્વોએ તેની સાથે ઠૂમકા પણ માર્યા હતા અને સાથે જ એના પર ચલણી નોટોનો પણ વરસાદ કર્યો હતો.

સુરતના અઠવા પોલીસ સ્ટેશનના થોડે જ દૂર આ બર્થડે પાર્ટીમાં સેલિબ્રેશનના નામે થયેલા આ ભવાડાએ કોરોનાની ગાઇડલાઇન્સને નેવે મૂકી દીધી હતી. હાલ કથિત રીતે પાંચેક દિવસ જૂનો વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાઈરલ થઈ રહ્યો છે.

પોલીસ કમિશનરના જાહેરનામાનો સરેઆમ ભંગ

આપ સૌ જાણો છો તેમ છેલ્લા કેટલાક સમયથી કોરોનાને કારણે રાત્રિ દરમિયાન કર્ફ્યૂ જાહેર કરવામાં આવ્યો છે. નવરાત્રિ પર્વ નિમિત્તે પણ રાત્રિના 12 વાગ્યા બાદ ગરબા રમવા પર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું પણ આપવામાં આવ્યું છે, એટલું જ નહીં જાહેરમાં જન્મદિવસ ઊજવવાની પણ સખત મનાઈ ફરમાવવામાં આવી છે.. જો કે પોલીસના આ જાહેરનામાનો કેટલાંક અસામાજિક તત્ત્વો જ ભંગ કરે છે.

બાર ડાન્સર સાથે લગાવ્યા ઠુમકા અને કર્યો નોટોનો વરસાદ

તમને જણાવી દઈએ કે બર્થ ડે સેલિબ્રેશન સહિતના પ્રોગ્રામોની ઉજવણી કરી અમુક લોકોએ પોલીસના જાહેરનામાનો સરેઆમ ભંગ કર્યો છે. સોશિયલ મીડિયામાં આ બર્થ ડે પાર્ટીનો એક વિડીયો પણ ખૂબ જ વાયરલ થયો છે જેમાં ઘણા લોકો બાર ડાન્સર બોલાવી નોટોનો વરસાદ કરતા દેખાઈ રહ્યા છે. આ વીડિયોમાં મૈં હું ડોન, તમંચે પે ડિસ્કો, એક દો તીન ચાર વગેરે જેવાં બોલિવૂડનાં ગીતો સ્થાનિક યુવકો બાર ડાન્સર સાથે ઠૂમકા લગાવતા નજરે પડે છે.

એવું માનવામા આવી રહ્યું છે કે આ વીડિયો સુરતના ભાગાતળાવના સિંધીવાડનો છે અને પાંચેક દિવસ પહેલાં એક છોકરીના જન્મદિવસનો છે જેના માટે અહીં મોટો સ્ટેજ બાંધી સેલિબ્રેશનનો કાર્યક્રમ યોજાયો હતો.

પોલીસના નાઈટ પેટ્રોલિંગની ઉઘડી પોલ

આ વાયરલ વીડિયોમાં ઠૂમકા મારતા સુકરી અને મીંડી ગેંગના સભ્યો દેખાઈ રહ્યા છે, સાથોસાથ રુસ્તમપુરાનો નામચીન જાફર ગોલ્ડન પણ આ વીડિયોમાં જોવા મળે છે. કોવિડ ગાઇડલાઇન્સના ધજાગરા ઉડાવી બર્થ ડે સેલિબ્રેશનના નામે થયેલા આ તાયફાનો વીડિયોએ પોલીસના નાઇટ પેટ્રોલિંગની પણ પોલ ઉઘાડી પાડી દીધી છે.