ભારતનો આ મહેલ આવેલો છે પાણીની અંદર, તસવીરો જોશો તો જોયા જ કરશો
આપણા દેશમાં એવી અનેક ઇમારતો આવેલી છે જે દુનિયાભરના પર્યટકોનું ધ્યાન ખેંચે છે. ખાસ કરીને રાજસ્થાન રાજ્ય આવા પ્રાચીન અને ઐતિહાસિક ઇમારતોનો ભંડાર છે. અહીં અમુક ઇમારતો સેંકડો વર્ષ જૂની છે તો અમુક હજારો વર્ષ જૂની.

આ ઇમારતો ફક્ત ઇમારતો જ નથી પરંતુ ભારતનો ઐતિહાસિક વારસો પણ છે. આવી ઇમારતોની રૂબરૂ મુલાકાત આપણને જે તે સમયનો અનુભવ પણ કરાવે છે. ત્યારે આજના આ જાણવા જેવું વિભાગના આર્ટિકલમાં અમે આપને આવા જ એક ઐતિહાસિક સ્થાન વિષે જણાવવાના છીએ જે આજથી 221 વર્ષ પહેલા નિર્માણ પામ્યું છે. તો કયું છે એ સ્થાન ? ચાલો થોડી વિસારથી વાત કરીએ.

ભારતના આ ઐતિહાસિક વારસા સમાન સ્થાનનું નામ છે ” જલ મહેલ ” રાજસ્થાનના જયપુરમાં આવેલું આ સ્થાન અસલમાં એક મહેલ છે. જયપુર-આમેર માર્ગ પર માનસાગર તળાવના વચ્ચે સ્થિત આ મહેલનું નિર્માણ સવાઈ જયસિંહે 1799 ઈસ્વીમાં કરાવ્યું હતું. અને આ મહેલ બનાવ્યા પહેલા જયસિંહે જયપુરની પ્રજાને પાણી મળી રહે તે માટે ગર્ભાવતી નદી પર બંધ બાંધી આ માનસાગર તળાવ બંધાવ્યું હતું.

અરાવલીના પહાડી વિસ્તારના ગર્ભમાં સ્થિત માનસાગર તળાવમાં બિલકુલ વચ્ચોવચ્ચ બનેલા આ “જલ મહેલ ” ને ” આઈ બોલ ” પણ કહેવામાં આવે છે. કહેવાય છે કે રાજા જયસિંહ પોતે અને તેમના પત્ની અહીં નિરાંતની પળો વિતાવવા આવતા હતા. અને તે સિવાય રાજ ઉત્સવો ઉજવવા પણ આ જળ મહેલનો ઉપયોગ થતો હતો.

તમને જાણીનીએ નવાઈ લાગશે કે આ મહેલ જેટલો પાણીની બહાર દેખાય છે એનાથી વધુ તો પાણીની અંદર છે. અસલમાં આ મહેલ પાંચ માળનો છે જેમાંથી ચાર માળ તો પાણીની અંદર છે જ્યારે બાકીનો એક માળ જ બહાર દેખાય છે. આ જ કારણ છે કે મહેલની અંદર ગરમીનો અનુભવ નહિવત થાય છે. આ મહેલ પરથી આજુબાજુના પહાડી વિસ્તાર અને તળાવનો આહલાદક તેમજ મનમોહક નજારો જોવા મળે છે. ખાસ કરીને ચાંદની રાતમાં પાણીમાં આ મહેલને જોવો અદભુત લ્હાવો છે.

એ ઉપરાંત આ જળ મહેલની એક નર્સરી પણ છે જેમાં એક લાખથી વધુ વૃક્ષો અને છોડવાઓ ઉગેલા છે. વળી, આ વૃક્ષો અને છોડવાઓની યોગ્ય જાળવણી થાય એ માટે 40 જેટલા માળી પણ રોકવામાં આવ્યા છે. આ નર્સરી રાજસ્થાનના સૌથી વધુ ઊંચાઈ ધરાવતા વૃક્ષો વાળી નર્સરી છે જ્યાં વર્ષે મોટી સંખ્યામાં પર્યટકોનો ઘસારો ચાલુ જ રહે છે.