ભારતીય વાયુસેના બનશે વધુ શક્તિશાળી, DRDO બનાવશે વોર્નિંગ જેટ, 11000 કરોડના પ્રોજેક્ટને મંજૂરી

દેશના સંરક્ષણ બાબતોની કેબિનેટ સમિતિએ વાયુસેના માટે 6 નવા એરબોર્ન અર્લી વોર્નિંગ એન્ડ કંટ્રોલ (AEW & C) વિમાનોના પ્રોજેક્ટને મંજૂરી આપી છે. આ સમિતિના અધ્યક્ષ વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે. 11 હજાર કરોડનો આ પ્રોજેક્ટ સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન (DRDO) દ્વારા તૈયાર કરવામાં આવ્યો હતો.

image source

2017 માં ભારતીય વાયુસેના દ્વારા પ્રથમ સ્વદેશી ઉત્પાદિત AEW અને C સિસ્ટમ સામેલ કરવામાં આવી હતી. આ સિસ્ટમ બ્રાઝિલિયન એમ્બ્રેયર -145 જેટ પર આધારિત હતી. નેત્રા AEW & C નામની આ સિસ્ટમ DRDO દ્વારા વિકસાવવામાં આવી હતી અને તેની રેન્જ લગભગ 200 કિમી છે. નવી AEW & C સિસ્ટમ એરબસ A321 પર આધારિત હશે અને નેત્રા સિસ્ટમ કરતા વધુ અદ્યતન હોવાની અપેક્ષા છે. એક અહેવાલ મુજબ, હાલમાં બે નેત્રા સિસ્ટમો સેવામાં છે. DRDO એર ઇન્ડિયા પાસેથી આ 6 વિમાનો હસ્તગત કરશે. આ વિમાનોમાં ફેરફાર કરીને એરબોર્ન અર્લી વોર્નિંગ એન્ડ કંટ્રોલ સિસ્ટમ (AEW & C) લગાવવામાં આવશે.

AEW & C શું છે?

image source

હકીકતમાં, AEW & C સિસ્ટમ જમીન પર આધારિત રડારની તુલનામાં બીજી તરફથી આવતી ક્રુઝ મિસાઈલ,ફાઈટર પ્લેન, ડ્રોન સહિત આકાશમાં ઉડતી તમામ વસ્તુઓને જડપથી શોધી શકે છે. સાથે તેમાં ટ્રેક કરવાની ક્ષમતા પણ છે. આ સિસ્ટમ દરિયામાં પણ નજર રાખી શકે છે અને જહાજોની સલામતી માટે કામ કરી શકે છે.

કેબિનેટે નવા ટ્રાન્સપોર્ટર વિમાનોની ખરીદીને પણ મંજૂરી આપી છે

image source

તમને જણાવી દઈએ કે ભારતીય વાયુસેના માટે નવા ટ્રાન્સપોર્ટર વિમાનોની ખરીદીને પણ કેબિનેટ તરફથી લીલી ઝંડી મળી ગઈ છે. ભારતીય વાયુસેનાના જૂના વિમાનોને નવા, અદ્યતન અને આધુનિક વિમાનો સાથે બદલવાની પ્રક્રિયા સતત ચાલી રહી છે. લાંબા સમયથી ભારતીય વાયુસેનામાં ફરજ બજાવતા એવરો હવે સ્પેનની C-295MW નું સ્થાન લેશે.

image source

કેબિનેટે 56 નવા C-295MW વિમાનોની ખરીદીને મંજૂરી આપી છે. આ 56 વિમાનોમાંથી, 16 વિમાનો સ્પેનથી ફ્લાયવેની સ્થિતિમાં એટલે કે સીધા જ સ્પેનથી ઉડાન ભરીને તૈયાર કરવામાં આવશે, જ્યારે બાકીના 40 વિમાન ભારતમાં લાયસન્સ હેઠળ બનાવવામાં આવશે. આ નવા વિમાનની વજન વહન ક્ષમતા 5 થી 10 ટન છે. આ એરક્રાફ્ટમાં સૈનિકો અને કાર્ગોને પેરા ડ્રોપ કરવા માટે પાછળનો રેમ્પ દરવાજો પણ છે. કરાર પર હસ્તાક્ષર કર્યા પછી, 16 વિમાનો સ્પેનથી 48 મહિનાની અંદર આવશે, બાકીના 40 વિમાનો આગામી દસ વર્ષમાં ભારતમાં તૈયાર થઈ જશે.

તો બીજી તરફ ભારતીય વાયુસેનાએ ઈતિહાસ રચ્યો છે. દેશની પ્રથમ ઈમરજન્સી એરસ્ટ્રીપ ગુરુવારે ખુલી. દેશને પાકિસ્તાન સરહદથી માત્ર 40 કિમી દૂર ઇમરજન્સી લેન્ડિંગ ક્ષેત્ર તરીકે પ્રથમ રાષ્ટ્રીય ધોરીમાર્ગ મળ્યો. વાયુસેનાના લડાકુ વિમાનો આ હાઇવે પર ઉતર્યા હતા. દેશમાં પ્રથમ વખત એવું બન્યું છે કે ભારતીય વાયુસેનાના વિમાનોની કટોકટી ઉતરાણ માટે રાષ્ટ્રીય ધોરીમાર્ગનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. જ્યારે હર્ક્યુલસ, સુખોઈ અને મિગ વિમાનો આજે ઉતર્યા, ત્યારે તે નજારો જોયા જેવો હતો.

image source

કટોકટીના કિસ્સામાં, આ હવાઈ પટ્ટીનો ઉપયોગ ભારત-પાક સરહદથી માત્ર 40 કિમીના અંતરે થઈ શકે છે. તે ભારત માલા પ્રોજેક્ટ અંતર્ગત બનાવવામાં આવેલા હાઈવે NH-925A પર બનાવવામાં આવ્યું છે. આ એરસ્ટ્રીપની પહોળાઈ 33 મીટર અને લંબાઈ 3 કિલોમીટર છે. કટોકટી અને બચાવ અથવા રાહત આપવાના હેતુથી નેશનલ હાઇવેને લેન્ડિંગ એરસ્ટ્રીપમાં રૂપાંતરિત કરવાની તૈયારીઓ ચાલી રહી છે. આજનો નજારો અદભૂત હતો અને તેને જોઈને ગર્વ થઈ રહ્યું છે.

image source

આ નિર્ણય સરકારે માત્ર આમ જ નથી લીધો. એવું જોવામાં આવ્યું છે કે ઘણીવાર દુશ્મનો દેશના મહત્વના એરબેઝને નિશાન બનાવે છે. લડાકુ જેટ ઉતરાણ અને ટેકઓફ ન કરી શકે તે માટે તેમને નિશાન બનાવીને નાશ કરવાનો પ્રયાસ કરવામાં આવે છે. આ લગભગ 50 વર્ષ પહેલા પણ જોવા મળ્યું હતું જ્યારે 8 ડિસેમ્બર 1971 ના રોજ પાકિસ્તાને ભુજ એરબેઝ પર બોમ્બમારો કર્યો હતો. આ હુમલામાં એરબેઝનો રનવે સંપૂર્ણપણે નાશ પામ્યો હતો. ભવિષ્યમાં આવી કોઈ પણ પરિસ્થિતિનો સામનો કરવા માટે આવી હવાઈ પટ્ટી તૈયાર કરવામાં આવી રહી છે. હવે વાયુસેના પાસે તેની કામગીરી માટે વધુ વિકલ્પો હશે અને સરહદને અડીને આવેલા વિસ્તારોમાં તાત્કાલિક કાર્યવાહી કરવાનું સરળ બનશે.