માંએ રાત આખી હાંડલામાં પથ્થર ઉકાળ્યા, ભૂખ્યા બાળકો રાહ જોઈને સુઈ ગયા

કોરોનાનું સંકટ માત્ર ભારત પર તોળાયું છે તેવું નથી. કોરોનાના કારણે કેન્યા જેવા દેશમાં પણ લોકોને ભૂખમરાની સ્થિતિમાં જીવવું પડી રહ્યું છે.

image source

આવી સ્થિતિમાં જીવતી એક માતાની હૃદયદ્રાવક કહાની હાલ ચર્ચામાં છે. આ માતા પાસે બાળકોને જમાડવા માટે કંઈજ બાકી રહ્યું નહીં તો તેણે ખાવાનું માંગતા છોકરાં સાથે ભોજન બનાવતી હોવાનું નાટક કરી તેમને ભૂખ્યા સુવડાવ્યાની ઘટના સામે આવી છે.

કેન્યાની પેનિના નામની મહિલા લોકોનું ઘર કામ કરી અને ઘર ચલાવતી હતી. તે વિધવા હોવાથી બાળકો અને ઘરની જવાબદારી તેના પર જ હતી. પરંતુ કોરોનાના કારણે જે લોકડાઉન થયું તેમાં તેની આવક અને કામ બંધ થઈ ગયા. થોડા દિવસ તો તેણે જેમ તેમ કાઢ્યા પરંતુ પછી ઘરમાં અનાજનો એક દાણો પણ ન વધ્યો અને સાંજ થયે બાળકો ખાવાનું માંગવા લાગ્યા.

image source

બાળકોનું મન બહેલાય અને તે સુઈ જાય તે માટે પેનિનાએ રસોઈ બનાવવાનું નાટક શરુ કર્યું. તેણે ચુલો ચાલું કરી અને તપેલામાં પાણીની અંદર પથ્થર મુકી તેને ઉકાળવાનું શરુ કર્યું. તે બાળકોને કહેતી રહી કે જમવાનું બને છે. બાળકો પણ ચુલા પર પડેલા તપેલામાં ભોજન બને છે તેવી રાહ જોતાં જોતાં થાકી અને ભુખ્યા જ સુઈ ગયા.

આ વાતની જાણ તેની પાસે રહેતી એક વ્યક્તિને થઈ અને તેણે આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો. આ વાતની જાણ થઈ લોકોને પેનિના અને તેના બાળકો પર દયા આવી અને લોકો તેની મદદ કરવા આગળ આવવા લાગ્યા. હાલ લોકડાઉન છે તેવામાં તેની પાડોશીએ બેન્કમાં ખાતુ ખોલાવી આપ્યું જેમાં લોકોએ મદદ માટે રકમ જમા કરી. આ રકમની મદદથી પેનિનાએ બાળકો માટે ખાવાની વસ્તુઓ ખરીદી.

image source

પેનિનાને મદદ માટે આગળ આવેલા લોકોનો આભાર માન્યો અને કહ્યું હતું કે કેન્યાના લોકો આટલા દરિયાદિલ છે તે ખબર ન હતી. તેના માટે આ મદદ ચમત્કાર જેવી છે. પેનિના મોમ્બાસા શહેરમાં 2 રુમના ઘરમાં તેના બાળકો સાથે રહે છે. તેના ઘરે ન તો વીજળી છે ન તો પાણી આવે છે.