રાજ્યના આ ગામમાં સાંબેલાધાર વરસાદ, મેઘરાજાએ કરી તોફાની બેટીંગ

છેલ્લા ઘણા દિવસથી રિસાયેલા મેઘરાજાએ પોતાની મહેર વરસાવવાનું શરુ કરતાં લોકોમાં આનંદ છવાયો છે. હવામાન વિભાગની આગાહી અનુસાર 17 ઓગસ્ટ પછીથી વાતાવરણમાં પલટો આવ્યો છે અને ગુજરાત સહિત રાજ્યમાં ઠેર ઠેર સારો વરસાદ નોંધાયો છે. દક્ષિણ ગુજરાતમાં સાર્વત્રિક સારો વરસાદ નોંધાયો છે. જેમાં સુરત જિલ્લામાં તો મેઘરાજાએ તોફાની બેટીંગ કરીને બધું જ પાણી પાણી કરી દીધું છે. જાણવા મળતી માહિતી અનુસાર સુરત જિલ્લાના કિમમાં એકસાથે 5 ઈંચ વરસાદ ખાબકી જતાં ચો તરફ પાણીપાણીના દ્રશ્યો સર્જાયા છે.

image soucre

રાજ્યમાં ક્યાં ક્યાં વરસાદ નોંધાયો છે તેની વિગતો પર નજર કરીએ તો સુરત, વલસાડ, ડાંગ, તાપી, દાહોદ સહિત દક્ષિણ ગુજરાતના વિવિધ વિસ્તારોમાં 17 ઓગસ્ટની રાત્રિથી જ વરસાદ શરુ થઈ ચુક્યો હતો. જેમાં સૌથી વધુ વરસાદ કીમમાં ૫ ઈંચ નોંધાયો હતો. એકધારો આટલો વરસાદ થવાથી કીમના નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. જેના કારણે અનેક વિસ્તારોમાં વાહન વ્યવહાર પણ ખોરવાયો હતો.. કીમ સિવાય વાપી અને પારડીમાં પણ સવા બે ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો.

image soucre

દક્ષિણ ગુજરાતમાં ક્યાં કેટલો નોંધાયો વરસાદ ?

  • આહવામાં ૨ ઈંચ,
  • સાપુતારામાં ૧.૮ ઈંચ
  • સુબીરમાં ૧ ઈંચ
  • કામરેજમાં ૨ ઈંચ
  • ઓલપાડમાં ૧ ઈંચ
  • ઉમરપાડામાં ૧ ઈંચ
  • વાપીમાં ૨.૩૨ ઇંચ
  • પારડી ૨.૨ ઇંચ
  • ઉંમરગામ ૧.૮ ઇંચ
  • વલસાડ, ધરમપુર અને કપરાડામાં અડધો ઇંચ

અમદાવાદમાં મેઘમહેર

image soucre

અમદાવાદમાં પણ લાંબા વિરામ પછી મેઘરાજા મહેરબાન થયા હતા. વરસાદ થવાના કારણે શહેરીજનોને અસહ્ય બફારો અને ઉકળાટમાંથી રાહત મળી હતી. અમદાવાદ શહેરમાં ક્યાં કેટલો વરસાદ થયો તેના પર નજર કરીએ તો અહીં રામોલમાં ૩ ઈંચથી વધુ વરસાદ થયો હતો. જ્યારે નિકોલ સહિત પૂર્વ ઝોનમાં ૨ ઈંચ વરસાદ ખાબક્યો હતો. જ્યારે શહેરમાં સરેરાશ એક ઈંચથી વધુ વરસાદ પડયો હતો.

image soucre

દર વર્ષે અમદાવાદમાં સીઝન કુલ ૩૦ ઈંચ વરસાદ વરસે છે. પરંતુ આ વર્ષે અમદાવાદમાં ૧૨ ઈંચ જેટલા વરસાદની ઘટ છે એટલે કે વરસાદ ઓછો પડ્યો છે. જો કે મંગળવારે રાત્રે થયેલા વરસાદમાં પણ શહેરમાં ઠેર ઠેર વરસાદી પાણી ભરાઈ ગયું હતું.

આગામી 2 દિવસ વરસાદની આગાહી

image soucre

આ સાથે જ હવામાન વિભાગે રાજ્યમાં આગામી બે દિવસમાં વરસાદની આગાહી કરી છે. 19 અને 20 ઓગસ્ટ ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં વરસાદની આગાહી છે. હવામાન વિભાગના જણાવ્યાનુસાર આગામી બે દિવસ મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ, મહિસાગર અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં પણ વરસાદ થવાની સંભાવના છે.