રોઝ કોકોનટ બરફી – ઉપવાસમાં અવનવી મીઠાઈ બહારથી લાવવાને બદલે હવે ઘરે જ બનાવો…

કેમ છો ફ્રેંડ્સ…

હવે શ્રાવણ મહિનો ચાલુ થઈ ગયો છે એટલે પૂજા પાઠ ઉપવાસ ચાલુ થઈ ગયા હશે …

આજે હું એક સિમ્પલ બરફી ની રેસીપી લઈને આવી છું … કોપરાની બરફી એ નાના-મોટા લગભગ બધાની જ પ્રિય મીઠાઈ છે. આપણે ત્યાં પ્રસંગ હોય કે પૂજા, ભગવાનને ચડાવવા માટે કોપરા પાક અવારનવાર બને છે. તે ટેસ્ટી તો લાગે જ છે પણ સાથે સાથે બનાવવામાં પણ ઘણો સરળ છે. આ સરળ રેસિપી 15 જ મિનિટમાં તૈયાર થઈ શકે છે.

તમે બરફી માં સૂકા નારિયેળનું છીણ વાપરી શકો છો, ફ્રેશ કોપરાનું છીણ પણ વાપરી શકાય. તમે જો છીણ ફ્રીઝ કરતા હોવ તો તે પણ મીઠાઈ બનાવવામાં વાપરી શકાય છે …આજે આપણે રોઝ ફ્લેવર ની બરફી બનાવીશું…

તો ચાલો ફ્રેંડસ જોઈ લઈએ તે માટે ની સામગ્રી :-

“રોઝ ફ્લેવર કોકોનટ બરફી”

  • 2 વાટકી – કોપરાનું છીણ અથવા તાજુ છીણેલુ નારિયેળ
  • 1 વાટકો – ખાંડ
  • 1 મોટી ચમચી- ઘી
  • 1 ચમચી – એલચીનો ભૂકો
  • બદામની કતરણ
  • 2 ચમચી – રોઝ સીરપ

નારિયેળના નાના ટુકડા કરીને મિક્સરમાં ક્રશ કરશો તો કોપરાનું છીણ તૈયાર થઈ જશે.

કોપરાપાક બનાવવા નોનસ્ટિક કડાઈનો જ ઉપયોગ કરવો. કડાઈમાં ઘી લઈ મધ્યમ આંચ પર પીગળવા દો.

તમે જો કોપરા પાકમાં ડ્રાયફ્રૂટ્સ નાંખવા માંગતા હોવ તો તેને પહેલા ઘીમાં શેકી લો.

ત્યાર પછી જ તેમાં કોપરાનું છીણ નાંખો. છીણ નાંખ્યા પછી તેમાં ખાંડ ઉમેરી દો.

તમે ખાંડ ઉમેરો પછી મિશ્રણને સતત હલાવતા રહો. થોડી વાર પછી ફ્લેવર માટે તેમાં એલચીનો ભૂકો ઉમેરી દો. ધીરેધીરે ગરમ થયેલા મિશ્રણમાં તમને પરપોટા થતા દેખાશે અને પછી મિશ્રણ ઘટ્ટ થવા માંડશે. પરપોટા વળતા બંધ થાય ત્યારે ગેસ બંધ કરી દો અને બદામનું કતરણ ઉમેરો હવે તેમાં રોઝ સીરપ મિક્સ કરો.

આ મિશ્રણ ખૂબ જ જલ્દી ઘટ્ટ થઈ જાય છે એટલે તેને ફટાફટ ઘીથી ચીકણી કરેલી થાળીમાં પાથરી દો જેથી ચોસલા પાડતી વખતે કોપરા પાક નીચે ન ચોંટે.

પાક ગરમાગરમ હોય ત્યારે જ ચોસલા પાડી લો. ઉપર તમે ગાર્નિશિંગ માટે બદામની કતરણ, કેસર વગેરે નાંખી શકો છો. ચોસલા ઠંડા પડે એટલે ધીમેથી એક પછી એક ચોસલા કાઢીને એરટાઈટ કન્ટેનરમાં સ્ટોર કરો.

તો તૈયાર છે ઉપવાસ માટે રોઝ કોકોનટ બરફી….

રસોઈની રાણી : નેહા આર. ઠક્કર

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.