મકરસંક્રાંતિ 2022 : આ દિવસે રાશિ અનુસાર કરો આ ઉપાય, થશે અઢળક લાભ

નવું વર્ષ શરુ થવાનું હોય તે પહેલાથી લોકોમાં અનેરો ઉત્સાહ હોય છે. કારણ કે નવા વર્ષની શરુઆત સાથે પણ તહેવારની ઉજવણી શરુ થઈ જાય છે. નવા વર્ષને ઉત્સાહથી આવકાર્યા બાદ નવા વર્ષમાં સૌથી પહેલા તહેવાર આવે છે મકરસંક્રાંતિ. વર્ષ 2022 ના આગમન પછી દરેક લોકો વર્ષના પહેલા તહેવાર તરીકે ઉત્તરાયણ ઉજવવા થનગની રહ્યા છે. નવા વર્ષનો આ પ્રથમ તહેવાર ઉજવવા માટે લોકોમાં ઉત્સાહ આ વર્ષે પણ છે.

આ વર્ષે મકરસંક્રાંતિ 14 જાન્યુઆરીએ ઉજવાશે. ભારતના દરેક રાજ્યમાં આ તહેવાર ઉજવાય છે. જો કે દરેક જગ્યાએ લોકો આ તહેવારને અલગ અલગ રીતે ઉજવે છે. મકરસંક્રાંતિના દિવસે ગ્રહોના રાજા સૂર્ય ધન રાશિ છોડીને પોતાના પુત્ર શનિની રાશિમાં પ્રવેશ કરે છે. મકરસંક્રાંતિના તહેવાર સાથે સૂર્ય અને શનિના સંબંધના કારણે ત્યારપછીનો સમય મહત્વપૂર્ણ બની જાય છે. આ સિવાય શુક્ર ગ્રહનો ઉદય પણ આ સમયની આસપાસ થાય છે. તેથી આ તહેવાર પછી તમામ શુભ કાર્યોની શરૂઆત થાય છે. આ તહેવાર દાન કરવા માટે ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ દિવસે રાશિ અનુસાર દાન કરવાથી તહેવારનું મહત્વ વધી જાય છે.

આજે તમને જણાવીએ કે મકરસંક્રાંતિના દિવસે કઈ રાશિના લોકોએ કઈ વસ્તુનું દાન કરવું જોઈએ. આમ કરવાથી જીવનમાં ખુશીઓ આવે છે અને સાથે જ સ્વાસ્થ્ય સમૃદ્ધિમાં પણ વધારો થાય છે. આ દિવસે દાનનું ખૂબ મહત્વ છે. આ દિવસે કરેલા દાનથી બમણું ફળ મળે છે.

મેષ – મેષ રાશિના જાતકોએ મકરસંક્રાંતિના દિવસે શુભ મુહૂર્તમાં જરૂરિયાતમંદોને ગોળ, મગફળી અને તલનું દાન કરવું. તેનાથી જીવનમાં સુખ અને સમૃદ્ધિ આવશે.

વૃષભ – વૃષભ રાશિના લોકોએ મકરસંક્રાંતિના દિવસે સફેદ વસ્ત્ર, દહીં અને તલનું દાન કરવું. તેના કારણે સ્વાસ્થ્ય સારું રહે છે અને જો કોઈ કાયદાકીય સમસ્યા હોય તો તેમાંથી પણ મુક્તિ મળે છે.

મિથુન – મિથુન રાશિના લોકોએ મકર સંક્રાંતિના દિવસે મગની દાળ, ચોખા અને ધાબળાનું દાન કરવું જોઈએ. આમ કરવાથી જીવનના સંકટમાંથી મુક્તિ મળે છે અને આ દાન નોકરી અને વ્યવસાય માટે શુભ છે.

કર્ક – આ દિવસે ચોખા, ચાંદી અને સફેદ તલનું દાન કરવાથી કર્ક રાશિના લોકોને શુભ ફળ મળે છે. નોકરીમાં આવતા અવરોધો દૂર થાય. ધ્યાનમાં રાખવું કે દાન શુભ સમયે દાન કરવું.

સિંહ – મકરસંક્રાંતિના દિવસે સિંહ રાશિના લોકોએ તાંબાની વસ્તુ અથવા ઘઉંનું દાન કરવું જોઈએ. આમ કરવાથી જીવનમાં આવતી સમસ્યાઓ દૂર થાય છે અને વિવાદોથી મુક્તિ મળે છે.

કન્યા – કન્યા રાશિના લોકોએ આ દિવસે ખીચડી, ધાબળા અને લીલા વસ્ત્રોનું દાન કરવું તેનાથી જીવનમાંથી ચિંતા અને પરેશાની ઓછી થાય છે. જીવનમાં સુખ-સમૃદ્ધિ વધે છે. શુભ મુહૂર્તમાં જરૂરિયાતમંદ અથવા વ્યંઢળને આ દાન કરવાથી વિશેષ ફળ મળે છે.

તુલા – તુલા રાશિના જાતકોએ મકરસંક્રાંતિના દિવસે સફેદ વસ્તુ કે ખાંડ તેમજ ધાબળાનું જરૂરતમંદોને દાન કરવું જોઈએ. તેનાથી વિવાહિત જીવનમાં મધુરતા વધે છે અને જીવનમાં સુખ-શાંતિ આવે છે.

વૃશ્ચિક – વૃશ્ચિક રાશિના લોકોએ મકરસંક્રાંતિના દિવસે કોઈ પણ જરૂરિયાતમંદ કે ગરીબ વ્યક્તિને લાલ કપડા અને તલનું દાન કરવું જોઈએ. આ દાન નોકરી અને વ્યવસાયમાં પ્રમોશન માટે વિશેષ લાભદાયી છે.

ધન – મકરસંક્રાંતિના દિવસે ધન રાશિના લોકોએ પીળા કપડા, હળદર અને ગોળનું દાન કરવું જોઈએ. આમ કરવાથી સ્વાસ્થ્ય સારું રહે છે અને ધન-ધાન્યની પ્રાપ્તિ થાય છે.

મકર – મકરસંક્રાંતિના દિવસે સૂર્યને પ્રસન્ન કરવા મકર રાશિના લોકોએ કાળો ધાબળો, તેલ અને તલનું દાન કરવું જોઈએ. જેના કારણે જીવનમાં પૈસાની કમી નથી રહેતી.

કુંભ – પરિવારમાં સુખ-શાંતિ અને સારા સ્વાસ્થ્ય માટે કુંભ રાશિના લોકો માટે સૂર્યને પ્રસન્ન કરવા અને સૂર્યની કૃપા મેળવવા માટે મકરસંક્રાંતિના દિવસે કાળા કપડા, અડદની દાળ, ખીચડી અને તલનું દાન કરવું જોઈએ.

મીન – મકરસંક્રાંતિના દિવસે દાન મીન રાશિના લોકોએ રેશમી વસ્ત્ર, ચણાની દાળ, ચોખા અને તલનું દાન કરવું જોઈએ. તેનાથી સૂર્યની કૃપા મળે છે અને સાથે જ દરેક ક્ષેત્રમાં વિજય પ્રાપ્ત થાય છે.