ત્રણ પગવાળો એક અનોખો માણસ, જાણો કેટલા વર્ષ જીવ્યો જીંદગી

મોટેભાગે એક સ્વસ્થ માણસને બે પગ હોય છે જેના વડે તે ચાલી – દોડી શકે છે પરંતુ ઇતિહાસમાં એક ત્રણ પગ વાળા માણસનું નામ પણ નોંધાયેલું છે. ઈટાલીનો રહેવાસી એવા આ વ્યક્તિ પોતાના અસાધારણ શરીર સાથે પાંચ – દશ નહિ પણ 77 વર્ષ સુધી સ્વસ્થ જીવન જીવ્યો હતો.

image source

આ અનોખા માણસનું નામ હતું ફ્રાંસેસ્કો ફ્રેન્ક લેટિની. તેનો જન્મ 18 મે 1889 ના રોજ ઈટાલીના સિસિલી ટાપુ પર થયો હતો. પોતાના અન્ય 11 ભાઈ – બહેનોમાં તેનો નંબર પાંચમો હતો. જયારે તે નાનો હતો ત્યારે તેના માતાપિતાએ તેને પોતાના કાકા કાકી પાસે રહેવા મોકલી દીધો હતો અને તેમના જ ઘરે તેનું બાળપણ વીત્યું અને એ જ ઘરે તેના કેરિયર પણ શરૂઆત થઇ હતી.

તમને જાણીને નવાઈ લાગશે કે પરંતુ ફ્રેન્ક લેટિનીને બાળપણથી જ ત્રણ પગ અને ચાર પગના પંજા હતા. તેનો પગનો ચોથો પંજો ત્રીજા પગના ગોઠણ પાસેથી નીકળેલો હતો. જો કે તે સંપૂર્ણ રીતે વિકસિત ન હતો. કહેવાય છે કે ફ્રેન્ક લેટિની એક પ્રકારના વિકારથી પીડિત હતો અને તેના શરીરમાં અડધા કદનું જોડીયું બાળક પણ જોડાયેલું હતું અને તે ફ્રેન્ક લેટિનીના પીઠના ભાગે કરોડરજ્જુ સાથે જોડાયેલું હતું.

image source

ફ્રેન્ક લેટિનીને પોતાનું આખું જીવન પોતાના આવા શરીર એટલે કે ત્રણ પગ અને ચાર પગના પંજા સાથે વિતાવવું પડ્યું હતું. એવું પણ નથી કે ફ્રેન્ક લેટિનીએ પોતાના વધારાના અંગો કઢાવવા માટે કોઈ મહેનત જ નહોતી કરી.

તેણે આ માટે ડોક્ટરોની સલાહ માંગી તો ડોક્ટરોએ એવો સ્પષ્ટ જવાબ આપ્યો કે વધારાના અંગ કાઢી નાખવા જોખમ ભરેલું કામ છે અને તેનાથી ખુદ ફ્રેન્કને પણ પક્ષઘાત થઇ શકે અને કાયમી માટે અપંગ થઇ શકે. ડોક્ટરોના મત મુજબ ફ્રેન્કનો ત્રીજો પગ કરોડરજ્જુની બિલકુલ નજીક જ હતો જેથી જો તે કાઢવામાં આવે તો ઉપરોક્ત મુશ્કેલી ઉભી થાય તેમ હતી.

image source

ફ્રેન્ક લેટિની જયારે 12 વર્ષનો હતો ત્યારે તેની મુલાકાત વિસેંજો મૈગ્નેનો નામના એક વ્યક્તિ સાથે થઇ જે તે સમયે એક સર્કસનો મલિક હતો. તેણે ફ્રેન્કને તેના સર્કસમાં કામ કરવા માટે ઓફર આપી. ફ્રેન્કને તેની ઓફર ગમી અને તેણે સર્કસમાં કામ કરવાનું નક્કી કર્યું. થોડા જ સમયમાં ફ્રેન્ક દર્શકોનો ખાસ હીરો બની ગયો કારણ કે ત્રણ પગ હોવા છતાં ફ્રેન્ક ખેલ કરવા સમયે ખુશ સ્ફૂર્તિથી કામ કરતો અને પોતાના ત્રીજા પગ વડે ફૂટબોલ રમી પ્રેક્ષકોનું મનોરંજન કરતો. સાથે જે તેની વાક્છટા પણ એવી હતી કે દર્શકો દંગ રહી જતા.

image source

ઘણીવાર ફ્રેન્ક તેના ત્રીજા પગનો ઉપયોગ સ્ટુલ તરીકે પણ કરતો હતો અને તેના પર બેસી જતો હતો. તેણે ઘણા લોકો એ જ સવાલ પૂછતાં કે તે પોતાના ત્રણેય પગ માટે એકસરખા પગરખાં ક્યાંથી ખરીદે છે ? તો ફ્રેન્ક તેને એ જવાબ આપતો કે તે હંમેશા બે જોડી પગરખાં ખરીદે છે અને એક વધારાનું પગરખું પોતાના અન્ય એક મિત્ર જે એક પગે અપંગ છે તેને આપી દે છે.

વર્ષ 1907 માં ફ્રેન્કના લગ્ન થેરેસા મુરે નામની મહિલા સાથે થયા અને તે ચાર સંતાનોનો પિતા પણ બન્યો. પરંતુ તેનું લગ્નજીવન બહુ લાબું ન ચાલ્યું. વર્ષ 1935 માં બન્ને અલગ થઇ ગયા. ત્યારબાદ ફ્રેન્ક લેટિનીએ હેલેન શુપે નામની મહિલા સાથે બીજા લગ્ન કર્યા અને મૃત્યુ સુધી બન્ને સાથે રહ્યા.

image source

21 સપ્ટેમ્બર 1966 માં અમેરિકાના ટેનેસી શહેરમાં ફ્રેન્ક લેટિનીનું મૃત્યુ થયું. તેણે જીવન દરમિયાન ઇટાલી અને અમેરિકામાં સર્કસના અનેક શો માં કામ કર્યું.