“ એ રાતે મારે રડવું હતું, મન હળવું કરવું હતું પણ હું રડી પણ શકતી નહોતી “

થોડા વર્ષો પહેલા દિલ્હીમાં બનેલી ગેંગરેપની ઘટનાથી દેશ થરથરી ગયો હતો. એક યુવતી સાથે થયેલી બર્બરતાના કારણે દેશભરના લોકોમાં રોષ હતો. તેવામાં આવી જ ક્રૂરતાપૂર્વકની ઘટના ગુજરાતમાં અને તે પણ સંસ્કાર નગરી વડોદરામાં બની છે. આ ઘટનાના કારણે ભારે ઉહાપોહ મચ્યો છે.

મૂળ નવસારીની અને છેલ્લા કેટલાક વર્ષથી વડોદરામાં રહેતી યુવતી સાથે નરાધમોએ એવી ક્રૂરતા આચરી કે જેના વિશે જાણીને ભલભલાં ધ્રુજી જાય. આ આપવીતી યુવતીએ આત્મહત્યા કરતાં પહેલા વર્ણવી હતી. યુવતીએ ગેંગરેપ બાદ ટ્રેનમાં દુપટ્ટા વડે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી.

પીડિતા સાથે શું થયું અને તેના ગુનેગાર કોણ છે તેની શોધ પોલીસ પણ કરી રહી છે. લોકોમાં પણ રોષ છે કે આ નરાધમોને પકડી આંકરામાં આંકરી સજા કરવામાં આવે. તેવામાં પીડિતાએ આત્મહત્યા પહેલા લખેલી તેની આપવિતી સામે આવી છે. પીડિતાએ તેની સાથે શું થયું હતું તે તેની ડાયરીમાં લખ્યું હતું. આ શબ્દો વાંચીને કઠણ કાળજાની વ્યક્તિ પણ હચમચી જાય તેમ છે.

યુવતીએ જે લખ્યું છે તે અનુસાર આ ઘટના બની તે દિવસે પીડિતા સાયકલ લેવા માટે શહેરના ચકલી સર્કલ સુધી ગઈ હતી. સર્કલ પર ભીડ હતી તેથી તે જગદીશવાળી શેરીમાં ફરીને જતી હતી. ત્યારે અચાનક તેને પાછળથી કોઈએ જોરદાર ધક્કો મારી દીધો. જેના કારણે તે દીવાલ સાથે અથડાઈ અને તે નીચે પડી ગઈ. તેને કળ વળે અને તે કંઈ જોઈ શકે તે પહેલા નરાધમોએ તેની આંખો બંધ કરી દીધી અને માથામાં કોઈ વસ્તુ જોરથી મારી દીધી જેથી તે બેભાન થઈ ગઈ. ત્યારબાદ જ્યારે તે ભાનમાં આવી તો શરીરમાં એટલી પીડા થઈ રહી હતી કે તેણે ચીસો પાડી તો નરાધમોએ તેના મોઢા પર દુપટ્ટો બાંધી દીધો.

શ્વાસ લેવામાં તકલીફ થતા પીડિતા બેભાન થઈ ગઈ અને હવસખોરોનો લાગ્યું કે તે મરી ગઈ છે. તેથી તેને ઢસળીને લઈ જવા લાગ્યા. આ સમયે તે અર્ધબેભાન હતી તેથી તેને માથામાં રસ્તામાં પડેલા પથ્થર લાગતા હતા. તેવામાં નરાધમોને ખબર પડી કે પીડિતાના શ્વાસ ચાલે છે તો તે બંને તેને ત્યાં મુકીને ભાગી ગયા.

આટલું લખ્યા પછી પીડિતા લખે છે કે, “ હું ગભરાઈ ગઈ હતી, મારી સાથે શું થયું તે કોઈ કહી શકતી ન હતી. મારે રડવું હતું પણ રડી શકતી ન હતી. મારે આ વાત કોઈને કહીને મન હળવું કરવું હતું પણ એ રાત્રે મને સાંભળનાર કોઈ ન હતું. “

આ સાથે જ પીડિતાએ તેની ડાયરીમાં એમ પણ લખ્યું હતું કે તેની સાથે જેણે દુષ્કર્મ કર્યું તે લોકો રસ્તે જતા મવાલી જેવા ન હતા.