ગુજરાત સહિત દેશભરમાં આ તારીખ સુધી રહેશે ભારે વરસાદ

દેશના ઘણા ભાગોમાં ચોમાસુ રંગે ચઢ્યું છે તો ક્યાંક ચોમાસું તબાહી મચાવી રહ્યું છે. તેવામાં ભારતીય હવામાન વિભાગે આગાહી કરી છે કે 1 ઓગસ્ટ સુધીમાં દેશના પૂર્વ, પશ્ચિમ અને મધ્ય રાજ્યોમાં ભારે વરસાદની સંભાવના છે. દેશમાં સક્રિય થયેલું દક્ષિણ પશ્ચિમ ચોમાસુ આગામી દિવસોમાં વધુ તીવ્ર બનશે. જેના કારણે દિલ્હી-એનસીઆર અને તેની આસપાસના રાજ્યો માટે આગામી કેટલાક દિવસોમાં ભારે વરસાદની સંભાવના છે.

image source

હવામાન વિભાગે જણાવ્યું છે કે આગામી કેટલાક દિવસોમાં ચોમાસુ વધુ વેગ પકડશે. જેના કારણે દિલ્હી તેમજ આસપાસના વિસ્તારમાં ભારે વરસાદ થઈ શકે છે. આ વિસ્તાર માટે હવામાન વિભાગે રેડ એલર્ટ આપ્યો છે. હવામાન વિભાગે ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢ અને ઝારખંડ માટે પણ રેડ એલર્ટ આપ્યું છે. આમ તો દેશભરમાં આગામી 2 ઓગસ્ટ સુધી વરસાદી વાતાવરણ રહેશે, હવામાન વિભાગે ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનના કેટલાક વિસ્તારોમાં વરસાદની આગાહી કરી છે. ઉત્તર પ્રદેશના કેટલાક ભાગોમાં 2 ઓગસ્ટ સુધી ભારે વરસાદ થઈ શકે છે તેવું અનુમાન છે.

હવામાન વિભાગ અનુસાર ગત સપ્તાહમાં પશ્ચિમી મહારાષ્ટ્ર, ગોવા અને કર્ણાટકમાં સતત વરસાદ બાદ દક્ષિણ-પશ્ચિમ ચોમાસુ ઉત્તર- પશ્ચિમ ભારત તરફ આગળ વધી રહ્યું છે જે 1 ઓગસ્ટ સુધી સક્રિય રહેશે અને ગુજરાત સહિત 15 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે.

image source

જાણો શું છે ગુજરાતની સ્થિતિ

રાજ્યમાં આગામી 5 દિવસ સુધી મેઘમહેરની હવામાન વિભાગે આગાહી કરી છે. ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. 1 ઓગસ્ટ સુધી રાજ્યમાં હળવા વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મોડાસા, પાટણ અને મહેસાણામાં હળવોથી મધ્યમ વરસાદ રહેશે. જ્યારે મધ્યમ ગુજરાતના અમદાવાદ, વડોદરા, ગાંધીનગર, નડિયાદ, ખેડામાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. ત્યારબાદ 2 અને 4 ઓગસ્ટે રાજ્યમાં સાર્વત્રિક વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. આ દરમિયાન દક્ષિણ ગુજરાતમાં સામાન્ય અને સૌરાષ્ટ્રમાં હળવાથી મધ્યમ વરસાદ થાય તેવી શક્યતા છે.

image source

ઉલ્લેખનીય છે કે હાલ ભારે વરસાદના કારણે હિમાચલ પ્રદેશની સ્થિતિ ગંભીર બની છે. અહીં ઠેરઠેર ભૂસ્ખલન અને ભારે વરસાદના કારણે કેટલાક લોકો લાપતા થયા છે જ્યારે 170થી વધુ પ્રવાસીઓ અહીં ફસાયા છે. ઉલ્લેખનીય છે કે હિમાચલ પ્રદેશ અને જમ્મૂ અને કાશ્મીરમાં વાદળ ફાટવાની ઘણી ઘટનાઓ બની છે. જેના કારણે ભારે તબાહી મચી છે. આઈએમડી અનુસાર પશ્ચિમ બંગાળમાં ગંગાના મેદાનમાં કેટલીક જગ્યાઓ વરસાદ થઈ શકે છે. જ્યારે ઝારખંડ અને છત્તીસગઢમાં શુક્રવારે અને પૂર્વી મધ્ય પ્રદેશમાં 31 જુલાઈના રોજ ભારે વરસાદ થઈ શકે છે.