આવકવેરાના પોર્ટલના કારણે લંબાવવામાં આવી રહી છે રીટર્ન ફાઈલ કરવાની તારીખ

સરકારે આવકવેરા રિટર્ન ભરવાની છેલ્લી તારીખ ફરીવાર વધારી દીધી છે. આ તારીખને હવે 31 ડિસેમ્બર કરવામાં આવી છે. આવકવેરા પોર્ટલ લોન્ચ થયું ત્યારથી લોકોને નડી રહેલી સમસ્યા અને પોર્ટલની કેટલીક ખામીઓના કારણે અગાઉથી જ અનુમાન લગાવવામાં આવી રહ્યું હતું કે રિટર્ન ભરવાની છેલ્લી તારીખ લંબાવી શકાય છે.

image source

તેવામાં સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સએ ગુરુવારે રિટર્ન ફાઈલ કરવાની છેલ્લી તારીખ વધારીને 31 ડિસેમ્બર કર્યાની જાહેરાત કરી દીધી હતી. નાણાં મંત્રાલયે એક નિવેદન જાહેર કરીને કહ્યું હતું કે, “નાણાકીય વર્ષ વર્ષ 2021-2022 માટે આવકવેરા રિટર્ન ભરવાની છેલ્લી તારીખ અગાઉ 31 જુલાઈ હતી તેને 30 સપ્ટેમ્બર સુધી લંબાવવામાં આવી હતી. હવે તેને ફરી એકવાર તેને વધારીને 31 ડિસેમ્બર 2021 કરવામાં આવી છે.

image source

આવકવેરા વિભાગના નવા પોર્ટલમાં આવેલી તકનીકી ખામીઓ વચ્ચે નાણામંત્રીએ ઇન્ફોસિસને 15 સપ્ટેમ્બર સુધીનો સમય આપ્યો છે. તાજેતરમાં નાણાં મંત્રી નિર્મલા સીતારમણ અને દેશની અગ્રણી કંપની ઇન્ફોસિસના એમડી અને સીઇઓ સલિલ પારેખ વચ્ચે બેઠક થઇ હતી. કંપની સામે નારાજગી વ્યક્ત કરતા નાણામંત્રીએ પારેખ સાથેની મુલાકાત દરમિયાન આ મુદ્દો ઉઠાવ્યો હતો કે પોર્ટલ લગભગ અઢી મહિના વિતી ગયા પછી પણ કેમ સારી રીતે કામ કરી રહ્યું નથી. નાણામંત્રીએ પોર્ટલમાં ખામીઓ સુધારવા માટે ઇન્ફોસિસને 15 સપ્ટેમ્બર સુધીનો સમય આપ્યો છે.

image source

મહત્વનું છે કે સામાન્ય સ્થિતિમાં રીટર્ન ફાઈલ કરવાની અંતિમ તારીખ 31 જુલાઈ હોય છે પરંતુ આ વખતે પોર્ટલની ખામીના કારણે આ તારીખ લંબાવવામાં આવી રહી છે. આઈટીઆર માટે આ વર્ષે 7 જૂનના રોજ નવું પોર્ટલ લોન્ચ કરવામાં આવ્યું હતું જો કે આ પોર્ટલમાં કેટલીક ખામીઓ હતી જેના કારણે લોકોને રીટર્ન ફાઈલ કરવામાં સમસ્યા થઈ રહી હતી જે હજુ પણ દૂર થઈ નથી. તેથી ફરીવાર રીટર્ન ફાઈલ કરવાની તારીખ લંબાવવી પડી છે.