નિયમો અને પ્રતિબંધો વચ્ચે નીકળશે ભગવાન નગરયાત્રાએ, રથયાત્રા સમયે રહેશે કર્ફ્યુ

ભગવાન જગન્નાથની રથયાત્રા આ વર્ષે નીકળશે કે નહીં નીકળે તે ગડમથલ વચ્ચે આજે રાજ્ય સરકાર તરફથી સત્તાવાર રીતે જણાવી દીધું છે કે રથયાત્રા નીકળશે. રથયાત્રાને પરવાનગી મળી જતા ભક્તોમાં ઉત્સાહ છવાયો છે. પરંતુ સાથે જ રાજ્ય સરકાર તરફથી અનેક પ્રતિબંધો પણ જાહેર કર્યા છે. આ પ્રતિબંધોના પાલન સાથે આ વર્ષે ભગવાન જગન્નાથ રથયાત્રા કરવા નીકળશે.

image source

આજે રથયાત્રા નીકળવા અંગે સત્તાવાર જાહેરાત કરતાં ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે આ વર્ષે રથયાત્રા નીકળશે પરંતુ રથયાત્રા જે રુટ પરથી પસાર થાય છે ત્યાં કર્ફ્યુ રહેશે. આ ઉપરાંત દર વર્ષે જેમ ભક્તોને પ્રસાદ આપવામાં આવે છે તે પણ આ વખતે બંધ રાખવામાં આવ્યું છે.

image source

ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યાનુસાર આ વર્ષે કોરોનાની સ્થિતિ કાબૂમાં છે અને રસીકરણ પણ ચાલી રહ્યું છે તેવામાં સરકારે નિયમોને આધિન રથયાત્રા કાઢવાની મંજૂરી ટ્રસ્ટને આપી છે. રથયાત્રા કાઢતી વખતે રાજ્ય સરકારે દર્શાવેલા તમામ નિયમોનું પાલન કરવાનું રહેશે.

image source

આ વર્ષની રથયાત્રા અગાઉ કરતાં ખૂબ અલગ હશે કારણ કે આ વર્ષે ભક્તોને દર્શન કરવાની છૂટ નહીં હોય એટલે કે રથયાત્રા દરમિયાન રસ્તા પર કોઈ વ્યક્તિ દર્શન કરવા આવી શકશે નહીં. ભક્તોએ દર્શન ઓનલાઈન જ કરવાના રહેશે. રથયાત્રા સાથે કોઈ જોડાઈ શકશે નહીં. ભગવાનના રથ સાથે આ વખતે ગજરાજ, ભજનમંડળીઓ કે અન્ય કોઈ જોડાઈ શકશે નહીં. તમામ રુટમાં માત્ર ત્રણ રથ જ જોડાશે. આ સિવાય સરકારે રથ ખેંચનાર ખલાસી અને રથની સાથે રહેનાર લોકો માટે પણ નિયમ જાહેર કર્યા છે.

image source

સરકારના નિયમ અનુસાર રથયાત્રામાં જે 5 વાહન હશે તેના ખલાસીઓએ 48 કલાક પહેલા આરટી પીસીઆર ટેસ્ટ કરાવવો પડશે. જેમનો ટેસ્ટ નેગેટિવ આવે તે જ રથ ખેંચી શકશે. પાંચ વાહનો વચ્ચે અને લોકો વચ્ચે પણ પુરતું અંતર જાળવવું પડશે. આ સિવાય તમામ ખલાસીઓ એવા હોવા જોઈએ જેમણે રસીનો એક ડોઝ લીધો જ હોય. રસીને બે ડોઝ લઈ ચુકેલા લોકોને પ્રાથમિકતા આપવામાં આવશે.

image source

રથયાત્રા પહેલા મંગળા આરતી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ કરશે જ્યારે પહિંદ વિધિ મુખ્યમમંત્રી અને નાયબ મુખ્યમંત્રી કરશે. આ સિવાય રથયાત્રા સમયે જે રીતે પોળમાં લોકો એકત્ર થી સમુહ ભોજન સહિતના આયોજન કરે છે તેની પણ આ વર્ષે મનાઈ કરવામાં આવી છે. આ સાથે જ રથયાત્રા સમયે થતું પ્રસાદ વિતરણ પણ બંધ રહેશે.

image source

રથયાત્રાને 4 દિવસની વાર છે ત્યારે સરસપુર ખાતે આજે ભગવાનનું મામેરું કરવામાં આવ્યું હતું. જેમાં ઉત્સાહભેર ભક્તો જોડાયા હતા. આ તકે અહીં ચાંપતો પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો હતો.