સોમનાથ મંદિરને ફરતે બન્યો વોક વે, મુંબઈના મરીન ડ્રાઈવ જેવો લાગે છે નજારો

પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે અને રોજ મોટી સંખ્યામાં ભક્તો સોમનાથ દાદાના દર્શનાર્થે જઈ રહ્યા છે ત્યારે હવે અહીં આવતા દર્શનાર્થીઓને વધુ કેટલીક ભેટ મળવા જઈ રહી છે. હવે સોમનાથ જઈ ભગવાન સોમનાથના દર્શન કર્યાનું પુણ્ય તો મળવાનું જ છે પરંતુ સાથે જ પ્રવાસીઓને મુંબઈના મરીન ડ્રાઈવ જેવો નજારો અને અન્ય કેટલાક આકર્ષણો પણ મળવા જઈ રહ્યા છે. આ તમામ આકર્ષણોને આવતી કાલે વડાપ્રધાન મોદી ખુલ્લા મુકશે.

સોમનાથ સ્થિત સોમનાથ ટ્રસ્ટ દ્વારા ભારત સરકારની પ્રસાદ યોજના અંતર્ગત તૈયાર કરવામાં આવેલા વોક વેનું ઉદ્ઘઘાટન કાલે સવારે 11.30 કલાકે વર્ચ્યુઅલી વડાપ્રધાન મોદી કરશે. સમારોહમાં દેશના વડાપ્રધાન અને સોમનાથ ટ્રસ્ટના પ્રમુખ નરેન્દ્ર મોદી ટ્રસ્ટની 85 કરોડ રૂપિયાથી વધુની યોજનાઓનું પણ વર્ચ્યુઅલ લોન્ચિંગ કરશે. આ યોજનાઓથી સોમનાથમાં ચાર ચાંદ લાગી જશે.

ઉલ્લેખનીય છે કે અરબ સાગરના કિનારે 1.47 કિલોમીટર લાંબો અને 7 મીટર પહોળો વોક વે તૈયાર કરવામાં આવ્યો છે જે અમદાવાદના રિવરફ્રન્ટ અને પોરબંદરની ચોપાટી જેવો છે. આ પ્રોજેક્ટ માટે ભારત સરકાર દ્વારા 47.55 કરોડ રૂપિયા મંજૂર કરવામાં આવ્યા હતા. પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિર નજીક બનેલો આ વોકવે પ્રવાસીઓ માટે મુખ્ય આકર્ષણ બનશે.

સોમનાથ ખાતે આવતી કાલે 4 પ્રોજેક્ટનું લોકાર્પણ થશે. આ યોજનાઓ કેન્દ્ર સરકારની પ્રસાદમ યોજના હેઠળ ગુજરાત ટૂરિઝમ, સોમનાથ ટ્રસ્ટ અને દાતાઓના સહયોગથી નિર્માણ પામી છે. આ લોકાર્પણ માટે વડાપ્રધાન વર્ચુઅલી ગુજરાતમાં હાજરી આપશે. આવતી કાલે જે 4 પ્રોજેક્ટનું લોકાર્પણ થવાનું છે તેમાં સૌથી મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટ વોક વે છે જેને સાગર દર્શન નામ આપવામાં આવ્યું છે.

આ સાથે જ પીએમ મોદી અહલ્યાબાઈ નિર્મિત સોમનાથ મહાદેવના મંદિરનાં કેટલાક વિકાસકાર્યોનું પણ ખાતમુહૂર્ત કરશે. આ સાથે પીએમના હસ્તે સોમનાથ મંદિર પરિસરમાં 22 કરોડના ખર્ચે તૈયાર થનાર પાર્વતી મંદિરનું ભૂમિપૂજન પણ કરશે.

સોમનાથ ખાતે તૈયાર થયેલા વોકવેના લોકાર્પણને ખાસ બનાવવાની તડામાર તૈયારીઓ પણ કરવામાં આવી છે. અહીં વોક વે પર સૌથી પહેલા શાળાના વિદ્યાર્થીઓ વોક કરશે અને તેમની સાથે વિવિધ ગૃપ લોકનૃત્યો રજૂ કરશે. આ સાથે જૂનાગઢ પોલીસ બેન્ડ પણ લોકાર્પણમાં જોડાશે. જાણવા મળતી માહિતી અનુસાર સોમનાથ આસપાસના વિસ્તારની પ્રખ્યાત રાસ મંડળીઓ પણ અહીં હાજરી આપશે અને નૃત્ય રજૂ કરશે. આ સાથે જ ચોરવાડની ઓળખ એવું ટિપ્પણી નૃત્ય પણ આ તકે જોવા મળશે. ભારે ધામધૂમ સાથે વોકવે પર શોભાયાત્રા કાઢવામાં આવશે. જેની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે.